13th બંગ્લોર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ

રવિવાર, 13 માર્ચ 2022 (14:46 IST)
માં મનીષ સૈની દ્વારા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ 'ગાંધી એન્ડ કંપની' એ 'સેકેન્ડ બેસ્ટ ઇન્ડિયન ફિચર ફિલ્મ' નો એવોર્ડ જીત્યો.
 
 
મનીષ સૈની દ્વારા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ 'ગાંધી એન્ડ કંપની' એ 13th બંગ્લોર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'સેકેન્ડ બેસ્ટ ઇન્ડિયન ફિચર ફિલ્મ' નો એવોર્ડ જીત્યો. 
 
ગુજરાતી ફિલ્મ ‘ગાંધી એન્ડ કંપની' માં દર્શન જરીવાલા, રેયાન શાહ, હિરણ્ય ઝીંઝુવાડિયા, જયેશ મોરે, દ્રુમા મહેતા, શરદ વ્યાસ અને ધ્યાની જાની જેવા નામી કલાકરો છે. મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત અને મહેશ દાનાનાવર દ્વારા નિર્મિત આ ફિલ્મ એ, બેંગલુરુ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 13મી આવૃત્તિમાં 55 દેશોની 200 ફિલ્મો માંથી બીજી-શ્રેષ્ઠ ભારતીય ફિલ્મનો પુરસ્કાર જીત્યો, KCA દ્વારા કર્ણાટક સરકાર માટે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. Biffes એ પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશન (FIAPF) દ્વારા માન્યતા પ્રાપ્ત છે. 
 
ફિલ્મ 'ગાંધી એન્ડ કંપની' ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NFDC) દ્વારા આયોજિત ઘણી એશિયન ફિલ્મોમાંની ફિલ્મ બજાર રૅકમૅન્ડ 2021ની સૂચિનો ભાગ હતી. FBR 2021 ની યાદી તેમજ Biffes 2022 નો ભાગ બનેલી 'ગાંધી એન્ડ કંપની' એકમાત્ર ગુજરાતી ફિલ્મ હતી. 
 
‘ગાંધી એન્ડ કંપની' એ હળવી ગુજરાતી કોમેડી ફિલ્મ છે જેમાં ગાંધીવાદી મૂલ્યોની પૃષ્ઠભૂમિ સાથે પ્રામાણિકતા અને સંવાદિતાની વાર્તા એક મનોરંજક રીતે કહેવામાં આવી છે. આ ફિલ્મ એક આધુનિક ફેમિલી ડ્રામા છે જે ખાસ કરીને પુરા પરિવારને આકર્ષિત કરશે. મનીષ સૈની જેમણે અગાઉ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ ‘ઢ' નું દિગ્દર્શન કર્યુ હતું. લેખક અને દિગ્દર્શક તરીકે આ તેમની બીજી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ મહેશ દાનાનાવર એ કર્યુ છે જેમણે ગુજરાતી ફિલ્મ “શુ થયું?!” નું નિર્માણ કર્યું હતું. જે MD મીડિયા કોર્પોરેશનના બેનર હેઠળ નિર્મિત બ્લોકબસ્ટર હિટ ફિલ્મ હતી. 
 
ડાયરેક્ટર મનીષ સૈની સાથે કર્ણાટકના ગવર્નર શ્રી થાવરચંદ ગેહલોત પાસેથી એવોર્ડ મેળવ્યા બાદ નિર્માતા મહેશ દાનાનાવરે કહ્યું કે,"કર્ણાટકના ગવર્નર તરફથી એવોર્ડ મેળવવો એ મારા માટે સન્માનની વાત છે, મારુ વતન બેંગ્લોર છે અને હું જ્યાંનો છું ત્યાં જ એક ગુજરાતી ફિલ્મ માટે એવોર્ડ મેળવવો એ મારા માટે ગર્વની વાત છે."  
 
દિગ્દર્શક મનીષ સૈની કહે છે, "અમે સમાજને એક અર્થપૂર્ણ કન્ટેન્ટ આપવા માંગીએ છીએ જેના પાછળ અમારા સતત પ્રયાસો ચાલુ છે અને ફેસ્ટિવલમાં અમારા પ્રયાસોને માન્યતા મળી રહી છે એ જાણી ને અમને ખુશી છે. અમને આશા છે કે વધુને વધુ લોકો ફિલ્મ જોશે અને તેની પ્રશંસા કરશે." 
 
કે.એસ.રમેશ વિશ્વ વિખ્યાત જાદુગર અને અભિનેતા કે જેઓ ફેસ્ટિવલ જ્યુરીનો ભાગ હતા તેઓએ કહે છે કે “આ એક અદ્દભુત સિનેમા છે જે ઘણી બધી જૂની  અને બાળપણની યાદોને પાછી લાવે છે. મને આ ફિલ્મ ખૂબ ગમી અને ફિલ્મના દરેક સીનનો મેં આનંદ માણ્યો છે. આ ફિલ્મ શાનદાર રીતે બનાવવામાં આવી છે અને હું સમગ્ર ટીમને તેમના પ્રયત્નો માટે અભિનંદન આપું છું.” 
 
રાષ્ટ્રીય પુરસ્કાર-વિજેતા અભિનેતા દર્શન જરીવાલા જે આ ફિલ્મની સ્ટાર કાસ્ટનો ભાગ છે તેઓએ જણાવ્યું, "ગાંધી એન્ડ કંપની માટે આ પહેલો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ હતો અને એવોર્ડ જીતવો એ અમારા બધા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે" 
 
ફિલ્મ 'ગાંધી એન્ડ કંપની' આ વર્ષે વિશ્વભરમાં આવનારા ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનશે કારણ કે આ ફિલ્મને પહેલેથી જ વિશ્વભરમાંથી બહુ બધા આમંત્રણો મળવાનું શરૂ થયું ગયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર