સામગ્રી - લોટ બાંધવા માટે - 1 કપ મેંદો, 1/4 ચમચી મીઠું, બેથી અઢી ચમચા તેલ કે ઘી અને સમોસા તળવા માટે તેલ.
સ્ટફિંગ માટે - 2 મધ્યમ આકારના બાફેલા બટાકા, 1/4 કપ વટાણાના દાણાં, 4-5 નાના કાપેલા કાજુ, 1 ચમચો સૂકી કાળી દ્રાક્ષ, 1 બારીક કાપેલું લીલું મરચું, 1/4 નાની ચમચી મીઠું, 1/4 ચમચી મરચું પાવડર, 1/4 ચમચી કરતાં પણ ઓછો ગરમ મસાલો, 2 ચમચી બારીક કાપેલી લીલી કોથમીર,
બનાવવાની રીત - મેંદામાં મીઠું અને તેલ નાંખી સારી રીતે મિક્સ કરો. પાણીની મદદથી સમગ્ર લોટના મિશ્રણને ભેગું કરી સખત લોટ બાંધી તૈયાર કરો. બાંધેલા લોટને લગભગ પાંચેક મિનિટ ચીકણો થાય ત્યાંસુધી ગુંથો. ગુંથેલા લોટને ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દો જેથી લોટ ફૂલીને સેટ થઇ જાય.
જ્યાંસુધી લોટ સેટ થાય ત્યાં સુધી સમોસા માટે સ્ટફિંગ બનાવી તૈયાર કરી લો.
હવે કઢાઇ ગરમ કરો અને 1-2 નાની ચમચી તેલ નાંખો. બટાકા છોલીને બારીક કાપી લો. કઢાઈમાં લીલા મરચાં, વટાણાના દાણાં નાંખી મેસ કરી મિક્સ કરો. મેસ્ડ બટાકા, પનીરના ટૂકડાં(પનીરનો ટેસ્ટ ઇચ્છતા હોવ તો), કાજુના ટૂકડાં અને કાળી દ્રાક્ષ, ધાણાજીરૂં, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો અને લીલી કોથમીર નાંખી આ મિશ્રણને 2-3 મિનિટ સુધી બરાબર મિક્સ કરતા રહો. સમોસા માટે સ્ટફિંગ તૈયાર છે.
હવે ગુંથેલા લોટને ફરી એકવાર મસળી તેમાંથી નાના-નાના લુવા બનાવી તૈયાર કરો.
લુવાને કપડાથી ઢાંકીને રાખો જેથી તે સૂકાય નહીં. એક-એક કરીને લુવામાંથી પાતળી પૂરી વણતા જઓ. પૂરી વધુ પાતળી ન કરશો. વણેલી પૂરીને હથેળીમાં લો અને તેમાં એકથી દોઢ ચમચી સ્ટફિંગ પૂરીની વચ્ચે મૂકો અને ઉપરથી અડધી ઇંચ ખાલી રહે તે પ્રમાણે પૂરીની ખાલી રહેલી ગોળાઇમાં આંગળીથી પાણી લગાવો. પૂરીને બીજા હાથથી ઉપાડી સ્ટફિંગને પોટલીના આકારમાં બંધ કરી ચોંટાડી દો. ચોંટાડવા માટે બાંધેલા લોટમાંથી જ તૈયાર કરેલી લાંબી પટ્ટીનો ઉપયોગ કરી શકો છો. આ રીતે બધા સમોસા તૈયાર કરી દો.
હવે કઢાઈમાં તળવા માટેનું તેલ ગરમ કરી મધ્યમ આંચે એકસાથે 3-4 સમોસા તળો. સમોસા સામાન્ય ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાંસુધી તળો અને એક પ્લેટમાં પેપર નેપકિન પાથરી તળેલા સમોસા તેમાં કાઢો જેથી તેમાંથી વધારાનું તેલ ચૂસાઇ જાય.
ગરમાગરમ પોટલી સમોસા તૈયાર છે. તેને કોથમીરની લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ઘરના સભ્યોને કે મહેમાનોને સર્વ કરો અને તમે પણ તેનો સ્વાદ માણો.