સામગ્રી : આદુ મરચાનું પેસ્ટ એક ચમચી, પાપડી- 500 ગ્રામ, રતાળુ- 250 ગ્રામ, શક્કરિયા 250 ગ્રામ, લીલી તુવેર-200 ગ્રામ, બટાકા -250 ગ્રામ, લીલા ધાણા 100 ગ્રામ, લીલુ લસણ - 50 ગ્રામ, ધાણાજીરુ - બે ચમચી, ભરવા રીંગણ(નાના) 200 ગ્રામ, મીઠુ સ્વાદ મુજબ, કોઈ પણ શાકના મુઠિયા એક વાડકો. ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, વાટેલા તલ 50 ગ્રામ, લીલા વટાણા (વાટેલા)500 ગ્રામ, 100 ગ્રામ લીલા કોપરાનું ખમણ, બે ચમચી ખાંડ, એક ચમચી અજમો, અડધી ચમચી ઊંધિયાનો અથવા તો શાકનો ગરમ મસાલો.
રીત : એક મોટા જાડા તળિયાના તપેલામાં ચાર પળી તેલ ગરમ કરવા મુકો, વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થયા બાદ અજમાનો વઘાર કરવો. વઘાર થાય એટલે તેમાં સાફ કરીને ધોયેલી પાપડીને નાખવી. થોડો સોડા અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી ખદબદવા દેવું. ત્યારબાદ તેની અંદર કાંપા પાડેલા શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવું, જેથી તપેલામાં ચોંટી ન જાય. થોડી થોડી વારે આને હલાવી લેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા. તપેલાને ઢાંકણું ઢાંકી દેવું. 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવુ.
મુઠિયા બનાવવાની રીત - 250 ગ્રામ કણકી કોરમાની અંદર બે ચમચી દહી, ખાંડ, મીઠુ, આદુ-લસણ-લીલા મરચાનું પેસ્ટ બે ચમચી અને 200 ગ્રામ કોઈ પણ શાક છીણીને (દૂધી, કોબીજ, મેથી) કે ઝીણું સમારીને નાખી દેવુ, અને તેમાં થોડું પાણી નાખીને લોટ બાંધી લેવો. લોટ નરમ હોવો જોઈએ. આ લોટના મુઠિયા વાળી તેને વરાળમાં બાફી લેવા. અને બફાયા પછી ઠંડા કરીને કાપી લેવા.
જલેબી ઃ સામગ્રી - મેદો 250 ગ્રામ, ચણાનો લોટ 50 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, તળવા માટે ઘી, યીસ્ટ જરૂર મુજબ
બનાવવાની રીત - મેદામાં ચણાનો લોટ નાખીને તેમા ચપટી ઈસ્ટ નાખી ગરમ પાણીથી ખીરું બનાવો અને આ ખીરાને બે દિવસ મુકી રાખો. આ ખીરામાં બે દિવસ પછી ખમણ ઉઠશે. હવે ખાંડની ચાસણી બનાવી લો. ચાસણી ધટ્ટ થવી જોઈએ. બેઠા આકારની કઢાઈ લઈને તેમા ધી ગરમ કરો. કોઈપણ વાસણમાં કે વાડકામાં અથવા કપડામાં વચ્ચે કાણું પાડીને તેમા તૈયાર ખીરું ભરો અને જલેબી પાડો. તળેલી જલેબીને ચાસણીમાં સારી રીતે ડૂબાવી કાઢી લો. આ રીતે બધી જલેબી તૈયાર કરો.