એક જ વ્યક્તિએ જાહેર કરેલા બ્લેક મનીમાં 13860 કરોડ રૂપિયા આખરે કોના ? આવકવેરા વિભાગ પણ મૂંઝવણમાં

શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (11:47 IST)
કેન્દ્ર સરકારની 30 સપ્ટેમ્બરે પૂરી થયેલી ઇન્કમ ડેકલેરેશન સ્કીમ (આઇડીએસ) હેઠળ દેશભરમાં રૂપિયા 65,250 કરોડનું કાળુ નાણુ જાહેર કરવામાં આવ્યું હતું. આ પૈકી ગુજરાતના એક બિઝનેસમેને જ રૂપિયા 13,860 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું. આ બિઝનેસમેન કોણ તેની ચર્ચા વચ્ચે તેની ઓળખ થતી થઈ ગઈ છે. આ કાળું નાણું જાહેર કરનાર અમદાવાદનો ઉદ્યોગપતિ મહેશ શાહ છે. મહેશ શાહ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરે છે.  દેશના કુલ જાહેર કાળા નાણામાં 20 ટકા હિસ્સો એક જ માણસનો હતો. જો કે આઈડીએસ હેઠળ આ કાળા નાણાંના સ્રોત વિશે પૂછપરછ નહીં કરવાની હોવાથી આવકવેરા વિભાગ ચૂપ રહ્યો હતો. 
 
ગુજરાતના બિઝનેસમેને 13860 કરોડનું કાળું નાણું ખરેખર જાહેર કર્યું હોઈ તેમણે નિયમ પ્રમાણે 45 ટકા લેખે 6237 કરોડ રૂપિયા ટેકસ તરીકે ભરવા પડે અને બાકીની રકમ એટલે કે રૂપિયા 7623 કરોડ કાયદેસર થઈ જાય. મહેશ શાહે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપાજી અમીન એન્ડ કંપની મારફતે આ રકમની જાહેરાત કરી હતી  મહેશ શાહના અન્ય ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો પણ આ કંપની મારફતે થતા હોવાનું મનાય છે. આઈડીએસ સ્કીમ પ્રમાણે આ બિઝનેસમેને તેમના ટેક્સ પેટે નવેમ્બર મહિનામાં 1000 કરોડ રૂપિયા જમા કરાવવાના હતા પણ મહેશ શાહે 30 નવેમ્બર સુધીમાં આ હપ્તો ના ભરતાં આવકવેરા વિભાગ ગુરૂવારે તેમના પર ત્રાટક્યું હતું. જો કે મહેશ શાહ તે પહેલાં જ ગાયબ થઈ ગયો છે અને તેનો કોઈ જ પત્તો નથી.  આવકવેરા વિભાગને પ્રાપ્ત થયેલા દસ્તાવેજો પ્રમાણે મહેશ શાહ તો માત્ર પ્યાદુ છે અને અસલી ખેલાડીઓ તો બીજા જ છે. વાસ્તવમાં તેણે જાહેર કરેલા 13,680 કરોડ રૂપિયા તેના નથી પણ રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સરકારી ઉચ્ચાધિકારીઓના છે. મહેશ શાહે તેમના લાભાર્થે આ જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સી.એ. દ્વારા એવી ગોઠવણ કરાઈ હતી કે મહેશ શાહના નામે આ જાહેરાત કરવી અને તેના માટે તેને કમિશન આપવું. મહેશ શાહે આ જાહેરાત તો કરી દીધી પણ પછી કેટલાંક મોટાં માથાં ફસકી ગયાં તેથી મહેશ શાહ ભરાઈ ગયો અને 30 નવેમ્બર સુધીમાં ટેક્સના 1000 કરોડ રૂપિયાનો પહેલો હપ્તો ના ભરી શક્યો. મહેશ શાહે જાહેરાત કરી ત્યારથી જ આવકવેરા વિભાગ તેના પર નજર રાખીને બેઠું હતું. જેવો મહેશ શાહ ટેક્સ ભરવામાં ચૂક્યું કે તરત જ તેણે આપાજી અમીન કંપનીના માલિક તેહમ્યુલ શેઠના પર દરોડા પાડ્યા અને મહેશ શાહ કોના વતી આ ખેલ કરતો હતો તેને લગતા દસ્તાવેજો સૌથી પહેલાં કબજે કરી લીધા

વેબદુનિયા પર વાંચો