ટોલ ટેક્સ મુદ્દે બબાલ થતાં 800 લોકોના ટોળા પર ટિયર ગેસ છોડાયો

ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (13:13 IST)
મંગળવાર રાત્રે ગામવાસીને ટોલ મુદ્દે અટકાવવામાં આવ્યા બાદ થયેલી ધમાલ અને 2 રાઉન્ડ ફાયરિંગ બાદ બુધવારે સવારે પણ લોકોના ટોળા એકઠા થતાં, પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા ટીયર ગેસના ચાર સેલ છોડવા પડ્યા હતા. બીજીતરફ ગ્રામજનોનો મીજાજ જોયા બાદ લેખિતમાં ટોલ ન ઉઘરાવવા ખાતરી આપવી પડી હતી. પોલીસે 3 અધિકારીઓ તથા ટોળા વિરુદ્ધ ફોજદારી ગુનો પણ દાખલ કર્યો મંગળવારે રાતના બનાવના પ્રત્યાઘાતરૂપે સવારથી સામખિયાળીની તમામ બજારો, વેપાર-ધંધા વગેરે બંધ રાખવામાં આવ્યા હતા અને એ પછી સ્વયંભૂ એકઠા થયેલા 600થી 700 લોકો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા  હતા જ્યાં પોલીસે સમજાવટના પ્રયાસો કર્યા હતા, પણ ટોળાએ તે ગણકાર્યા નહોતા.  આ પછી એકઠા થયેલા લોકો ટોલનાકા તરફ ધસી ગયા હતા, જેથી પોલીસ દોડતી થઇ હતી. ટોલનાકા તરફ લોકો ઉમટી પડતાં વાહનચાલકોમાં ભયની લાગણી ફેલાઇ હતી, તો ટ્રાફિક પણ અવરોધાયો હતો. દરમિયાન સ્થિતિ નિયંત્રણ બહાર જતી લાગતાં ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા પોલીસ ટીયર ગેસના ચાર સેલ છોડવા પડ્યા હતા અને હળવો લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી. ટોળા આંશિક વિખરાયા બાદ ત્યાં ટકી રહેલા લોકોએ જો કંપની ગામલોકોને ટોલમુક્તિની ખાતરી આપે તો જ સમાધાન થશે એવી માગણી ઉઠાવતાં, પોલીસ એ દિશામાં જોતરાઇ હતી અને આખરે એલ. એન્ડ ટી. કંપનીના અધિકારી”એ ગામના વાહનચાલકોને ટોલમુક્તિ માટે લેખિતમાં ખાતરી આપવી પડી હતી.

વેબદુનિયા પર વાંચો