કોંગ્રેસમાં ઉકળકતો ચરૂ- 50 જેટલી બેઠકો પર કોઈને ચૂંટણી માટે ટિકીટ લેવી નથી

મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (12:59 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી કોંગ્રેસે બુથદીઠ ૧૫-૧૫ ટેકેદારોની યાદી મંગાવી છે, જોકે આ પ્રક્રિયા વચ્ચે એવી હકીકત બહાર આવી છે કે, વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૫૦ જેટલી બેઠકો એવી છે જેમાં હજુ સુધી કોઈ કોંગ્રેસીએ ચૂંટણી લડવા રસ દાખવ્યો નથી, ૫૦ બેઠકો પર કોંગ્રેસની ટિકિટ લેવામાં કોઈને રસ નથી, કારણ કે ૫૦ બેઠકો પર એક પણ ઉમેદવારે ૧૫-૧૫ ટેકેદારોની યાદી જ રજૂ કરી નથી. સૂત્રોએ કહ્યું કે, એક તરફ કોંગ્રેસ સરળતાથી જીતી શકે તેવી બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટયો છે, પરંતુ જે બેઠક કોંગ્રેસ માટે નબળી છે તેવી બેઠક પર ચૂંટણી લડવામાં કોંગ્રેસને હજુ સુધી ઈચ્છુકો પણ મળ્યા નથી. કોંગ્રેસ માટે નબળી હોય તેવી ૫૦ બેઠકો પર ચૂંટણી લડી પૈસા અને નામ ખરાબ કરવા માટે કોઈ આગળ આવતું નથી.  કોંગ્રેસી વર્તુળોમાં એવો પણ ગણગણાટ છે કે, પ્રભારી કામતે ફરી એક વાર ગેરશિસ્ત મુદ્દે લાલ આંખ તો કરી છે પરંતુ કોંગ્રેસ પક્ષની ફજેતી કરનારા આગેવાન કુંવરજી બાવળિયા અને જગદીશ ઠાકોર આ બેઠકમાં હાજર હતા તેમ છતાં તેમને ઠપકો આપવાની તસ્દી લીધી નહોતી. પક્ષ પ્રમુખ ભરત સોલંકી પણ ગેરશિસ્ત નહિ ચાલે તેવો દાવો તો કરે છે પણ ગેરશિસ્ત આચરનારા નેતા સામે પગલાં ભરવાની નોબત આવે ત્યારે તેઓ પાણીમાં બેસી જાય છે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ મહિલાઓને કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવશે તેમ ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ શોભા ઓઝાએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.  

વેબદુનિયા પર વાંચો