વડોદરામાં અગ્રણી ઉદ્યોગપતિના ફાર્મ હાઉસમાં લગ્નની પાર્ટીમાં દારૂની રેલમછેલ વચ્ચે પોલીસનો દરોડો, 225 લોકોની અટકાયત

શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (10:47 IST)
વડોદરા નજીક આવેલ ભીમપુરા પાસેના અખંડ ફાર્મ હાઉસમાં સગાઈ પ્રસંગે 200થી વધુ લોકો દારૂની મહેફિલ માણતાં રંગેહાથે ઝડપાયા છે. પોલીસને ઘટના સ્થળેથી 20  પેટી શરાબનો જથ્થો પણ મળી આવ્યો હોવાનું કહેવાય છે. મહેફિલમાં સામેલ 225 લોકોની પોલીસે અટકાયત કરી હતી. 50થી વધુ મહિલાઓની પણ હાજરી હતી, જેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પાર્ટીમાંથી ઝડપાયેલા બધાં જ મહિલા-પુરૂષોને તપાસ માટે સરકારી હોસ્પિટલમાં તપાસ માટે લઇ જવાયાં હતાં. કેટલા લોકો પીધેલાં હતાં, તપાસ પછી જ ખબર પડશે. આ મહેફિલમાં ઉદ્યોગપતિ ચિરાયુ અમિન પણ સામેલ હોવાની ચર્ચા છે જેમને પાછલા બારણે ભગાડી દેવાયા હોવાની ચર્ચા છે. અખંડ ફાર્મ હાઉસના માલિક જિતેન્દ્ર શાહની પોલીસે ધરપકડ કરી છે, તેમને જામીન મળ્યા નથી.
 
 
અખંડ ફાર્મ હાઉસના માલીક અને અગ્રણી ઉદ્યોગપતિ જિતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈનો પ્રસંગ હતો, આ નિમિત્તે યોજાયેલી મહેફિલમાં દારૂની રેલમછેલ હોવાની બાતમી પોલીસને મળી હતી. શહેરના માલેતુજાર સપરિવાર આ પાર્ટીમાં હતા ત્યારે જ પોલીસની એન્ટ્રીથી રંગમાં ભંગ પડયો હતો. પોલીસને જોઇને પાર્ટીમાં સામેલ લોકોએ દોડાદોડી શરૂ કરી દીધી હતી. તમામને નશાની હાલતમાં ઝડપયા હતા. ત્યાર પછી થોડીક ક્ષણોમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જો કે રાજકીય વગ વાપરવાનો પ્રયત્ન થયો હતો, કેટલાક નામાંકિત લોકોએ કેસને રફેદફે કરવા માટે પ્રયત્નો કર્યા હતા, પણ જિલ્લા પોલીસે જરાય કોઈને મચક આપી ન હતી. રાજ્યમાં દારૂબંધીના નવા કાયદા અનુસાર ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. વહેલી સવારે મળેલ સમાચાર મુજબ પોલીસે 225 લોકોની અટકાયત કરી છે, અને તેમાંથી 45 જણાને જામીન આપ્યા હતા. પોલીસને 1.35 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. અને 25 મોંઘીદાટ કાર જપ્ત કરી છે.
 

વેબદુનિયા પર વાંચો