સાબરમતી નદીમાં શૂટિંગ માટે આવેલી ટીમના આઠ વાહન તણાયા

સોમવાર, 29 ઑગસ્ટ 2016 (14:08 IST)
ગાંધીનગર પાસે આવેલ માધવગઢ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં રવિવારે જાહેરાતનું શૂટિંગ કરવા આવેલ એક ટીમના આઠ વાહનો તણાઈ ગયા હોવાની ઘટના બની હતી. અહીં પાણીનો પ્રવાહ વધી જતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે કોઇ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, માધવગઢ અને માણસા તાલુકાના અમરાપુર ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીમાં રવિવારે પાણીનો પ્રવાહ ઓછો હોવાને કારણે એક ખાનગી કંપનીના કેટલાક કર્મચારીઓ એડ શૂટિંગ માટે છ જીપ અને બે બાઇક લઇને આવ્યા હતા. દરમિયાન સાબરમતી નદીમાં પાણી છીછરું હોવાને કારણે શૂટિંગ લેવા માટે એક જીપ અને બે બાઇક નદીની વચ્ચે લઇ જવામાં આવ્યા હતા.  પરંતુ અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા એડ કંપનીના કર્મચારીઓ છ જીપ અને બે બાઇક નદીમાં મૂકીને જીવ લઇને બહાર દોડી ગયા હતા. બીજી તરફ નદીમાંના તમામ વાહનો અને વીડિયો કેમેરા તથા અન્ય સાધન સામગ્રી તણાવા માંડયાં હતાં. જેથી કિનારે ઉભેલા લોકો પણ ભયભીત બની ગયા હતા. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં ઘટના સ્થળે આવેલ અમરાપુર પોલીસ અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો