શિલ્પ-સ્થાપત્યની બેનમૂન બોતેર કોઠાની વાવ કચરાપેટી બની ગઈ
સોમવાર, 2 ડિસેમ્બર 2013 (12:03 IST)
P.R
વિદેશી પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકાર પ્રવાસન વર્ષ અને હેરીટેજ સપ્તાહની ઉજવણી કરતી હોય છે. વર્ષ 2006 નાં પ્રવાસન વર્ષમાં રાજ્યની પ્રાચીન વાવોને પુનઃજીવીત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ આજે પણ મહેસાણા શહેરની બોતેર કોઠાની વાવનો વારસાનો ઈતિહાસ ધૂળમાં રઝળી રહ્યો છે. જેને લઈને પાલિકાએ સ્વૈચ્છિક સંસ્થાનો સહયોગ લઈને સફાઈ હાથ ધરી છે.
મહેસાણા શહેરમાં આવેલી બોતેર કોઠાની વાવ તેનાં શિલ્પ-સ્થાપત્યની બેનમૂન કારીગરી માટે પ્રખ્યાત છે. ફક્ત ઈંટોથી બંધાયેલી મહેસાણાની બોતેર કોઠાની વાવને નિહાળવા માટે ભૂતકાળમાં અનેક પ્રવાસીઓ આવતાં હતાં. પરંતુ છેલ્લાં દસેક વર્ષથી તંત્ર દ્વારા ઉપેક્ષા કરવામાં આવતાં બોતેર કોઠાની વાવ જાણે કે કચરાપેટી બની ગઈ છે. હવે આ બોતેર કોઠાની વાવની વિરાસતની જાળવણી માટે મહેસાણા નગરપાલીકાએ બીડું ઝડપ્યું છે. નગરપાલીકાએ અમદાવાદની હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર નામની સ્વૈચ્છિક સંસ્થાનાં સહયોગથી વાવની સફાઈ હાથ ધરી છે.
સમગ્ર દેશમાં ફક્ત ઈંટોથી બાંધેલી વાવ એકમાત્ર મહેસાણામાં જોવા મળતાં શહેરની ઓળખ બની છે. ત્યારે ગાયકવાડ સરકારનાં સમયમાં રીનોવેટ થયેલી બોતેર કોઠાની વાવને હાલ પુનઃજીવિત કરવા પ્રયાસો હાથ ધર્યા છે.મહેસાણા જિલ્લાની 28 પૈકી મોટાભાગની વાવો ઉપયોગ વગર તંત્રની બેદરકારીનાં કારણે પુરાઈ ગઈ છે.ત્યારે બોતેર કોઠાની વાવની માફક દરેક વાવનાં શિલ્પ-સ્થાપત્યનાં અજોડ વારસાને સાચવવા પ્રયાસ કરવા ઈતિહાસકારોએ સરકારને અપીલ કરી છે.