મોઢવાડિયાએ નરેન્દ્ર મોદીને અનેક વાકપ્રહારો સાથે પત્ર લખ્યો

બુધવાર, 18 એપ્રિલ 2012 (11:38 IST)
P.R
આગામી સમયમાં ગુજરાતમાં પટેલ સમુદાયના 24 ટકા મતો મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડીસેમ્બર માસમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા શેહ અને માતનો ખેલ જામવાની પુરી શક્યતા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ આકરા શબ્દોમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખીને અનેક વાકપ્રહારો કર્યા છે.

અર્જૂન મોઢવાડિયાએ પોતાના ખુલ્લા પત્રમાં નરેન્દ્ર મોદી દ્વારા પટેલ સમુદાય સાથે કરવામાં આવેલા કથિત વ્યવહાર, કેન્દ્ર સરકાર સામેની તેમની ભાષા અને સરદાર પટેલ સાથેની તેમની સરખાણીથી લઈને ઉદ્યોગપતિઓ સાથેના કથિત ધરોબા પર આકરા શબ્દબાણ ચલાવાયા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ ખુલ્લા પત્રના પ્રારંભમાં સૂરત ખાતે રાજ્યસભામાં ભાજપ તરફથી પસંદ કરાયેલા પટેલ સમુદાયના મનસુખભાઈ માંડવિયાના સમ્માન સમારંભને નિશાના પર લીધું છે.

મોઢવાડિયાએ પત્રમાં લખ્યુ છે કે મનસુખ માંડવીયાનું સમ્માન સૂરતના પટેલ સમાજ પાસે કરાવીને રાજકીય લાભ લેવાની ગણતરીથી મુખ્યમંત્રી મોદીએ આ જવાબદારી ભાજપના અમુક આગેવાનોને સોંપેલી. પરંતુ હકીકતે આ સમ્માન સમારંભ પટેલ સમાજ કરતા બાજપના એક જૂથનો બની રહ્યો અને મનસુખભાઈનો સમ્માન સમારંભ ખુદ મુખ્યમંત્રી મોદીનો સમ્માન સમારંભ બની ગયો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પત્રમાં મુખ્યમંત્રી મોદીની સરદાર પટેલ સાથે થઈ રહેલી સરખામણીની પણ આકરી ટીકા કરી છે. માંડવીયાના સમ્માન સમારંભમાં નરેન્દ્ર મોદીના ભાષણનો ઉલ્લેખ કર્યો છે કે જેમાં મોદીએ કહ્યુ હતુ કે “કેન્દ્ર સરકાર ગુજરાત સાથે દુશ્મન દેશ જેવો વ્યવહાર રાખે છે, પરંતુ હું તે લોકોને થકવી દઈશ. હું કલ્પના કરી શકું છું કે સરદારની આ લોકોએ શું વલે કરી હશે?”

મોઢવાડિયાએ મોદી પર શબ્દબાણ ચલાવતા લખ્યુ છે કે સરદાર સાહેબ કોંગ્રેસ પક્ષના અને રાષ્ટ્રના દિગ્ગજ નેતા અને સ્વતંત્રતાવીર હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સ્થાપક પ્રમુખ તરીકે 21 વર્ષ સેવા બજાવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે અને દેશના પહેલા કોંગ્રેસી મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. દેશની આઝાદીના સંગ્રામમાં એક મહાન નાયક અને વર્તમાન ભારતનો નકશો બનાવનારની તમે દયા ખાઈને કહો છો કે તેમના પર કોંગ્રેસે શું વીતાવ્યું હશે? સરદાર સાહેબ જેવા વીર પુરુષ સ્વયં એક શક્તિ હતા.

મોઢવાડિયાએ સરદાર સાથેની મોદીની સરખામણી પર વાંધો દર્શાવતા લખ્યું છેકે સરદાર સાહેબ એ જમાનામાં શ્રેષ્ઠ વકીલાત કરીને સમૃદ્ધ જીવન જીવી શક્યા હોત, પરંતુ જીવનની સર્વશક્તિ મહાત્મા ગાંધી અને દેશના ચરણે ધરીને બે જોડી કપડાંથી જીવન ચલાવ્યું. મૃત્યુ વખતે ફકીરની જેમ માત્ર વિચારો અને આધુનિક ભારતનો નકશો આપણા વારસામાં મૂકતા ગયા. તમે તમારી જાતને સરદારની સમકક્ષ કઈ હેસિયતથી ગણાવો છો?

મોઢવાડિયાએ લખ્યુ છે કે મારે અને તમારે બંનેને ભૂતકાળમાં સાયકલના ફાંફા હતા, પરંતુ અત્યારે તમારી પાસે કેટલી જોડી કપડાં, જોડાં, ચશ્મા છે? આ બાબતે લોકો ચર્ચા કરે તેના કરતા મોઢવાડિયાએ મોદીને આત્મખોજ કરવાની સલાહ પણ ખુલ્લા પત્રમાં આપી છે.

મોઢવાડિયાએ મોદીને ઉદેશીને લખ્યુ છે કે હવે તો આપને મોટકારમાં તો ઠીક સાદા સરકારી હવાઈજહાજ અને હેલિકોપ્ટરમાં પણ ફાવતું નથી. એટલે ઉદ્યોગપતિઓના હવાઈજહાજો અને હેલિકોપ્ટરો તમારા વિદેશ પ્રવાસ વખતે સ્ટેન્ડબાય રહે છે. જ્યારે સરદાર સાહેબને તો ભલભલા ભૂપતિઓ અને ધનપતિઓ નાનકડી ભેંટ આપવાની હિંમત પણ કરતા નહીં.

સરદાર સાહેબા તો દેશમાંથી 700 રજવાડા નાબૂદ કરીને વર્તમાન ભારતની રચના કરવામાં પાયાનું કામ કર્યું. જમીનદારી પ્રથા નાબૂદ કરીને દેશના ખેડૂતોને જમીનના માલિક બનાવ્યા. પરંતુ આપતો અત્યારે રાજ્યની સરકારી, ગૌચર અને જંગલની અબજો મીટર જમીન રાજ્યના સામાન્ય માણસને ઘરનું ઘર બનાવવા કે શૈક્ષણિક અને વૈદ્યકીય સંસ્થાઓને જાહેર હેતુઓ માટે આપવાને બદલે તમારા માનીતા ઉદ્યોગપતિઓને પધરાવીને નવા જમીનદારો ઉભા કરી રહ્યા છો.

મોદીના લહેજામાં જ મોઢવાડિયાએ પત્રમાં લખ્યું છે કે સરદાર સાહેબ હયાત હોત તો આપની રાજ્યના પ્રજા વિરોધી પગલા બદલ તમારી શું વલે કરી હોત તેની હું કલ્પના કરી શકું છું.

ગુજરાતમાં ભાજપ પાર્ટીમાં પ્રદેશ સ્તરે પટેલ નેતાઓની કથિત અવગણનાનો મુદ્દો પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ઉઠાવીને આશ્ચર્ય સર્જ્યું છે. મોઢવાડિયાએ કહ્યુ છે કે કોંગ્રેસે સરદાર સાહેબને ભારતીય રાષ્ટ્રયી કોંગ્રેસના અધ્યક્ષ અને દેશના નાયબ વડાપ્રધાન બનાવ્યા અને સાચા અર્થમાં સરદાર સાહેબ દેશના સપૂત બન્યા. પરંતુ તમે જે પટેલ સમાજના કાર્યક્રમમાં ગયા હતા. તે સમાજના જ આદરપાત્ર આગેવાનોની આપે શું વલે કરી છે? ભાજપના પાયામાં જેમનો પરિશ્રમ છે તેવા મુરબ્બી કેશુભાઈ પટેલનું આપે કેટલી વખત અને કેવા અપમાનો કર્યા છે? કેશુબાપાની રાજ્યસભાની ટિકિટ કાપીને આપે જે પિશાચી આનંદ લીધો હતો. પિતાતુલ્ય સ્વ. આત્મારામભાઈ પટેલ જેવા વયોવૃદ્ધ આગેવાનને સરદાર પટેલ સ્ટેડિયમમાં ભરી સભામાં સંપૂર્ણ વસ્ત્રાહરણ કરીને જીવતા સળગાવવાની કોશિશ પણ થઈ હતી. આ કાર્યક્રમના નિર્માતા આપ ન હોતા?

જ્યારે આખા દેશમાં ભાજપની બે બેઠકો હતી, ત્યારે ગુજરાતના ડૉ. એ. કે. પટેલ મહેસાણાની બેઠક પરથી ચૂંટઈને લોકસભામાં ગયા હતા. ડૉક્ટર સાહેબનું સરનામું વીંખવાનું કામ આપે જ કર્યું છે. ડૉ. વલ્લભભાઈ કથિરીયા, ગોરધન ઝડફીયા, ભાવનાબેન ચિખલીયા જેવા અનેક નેતાઓની રાજકીય બાદબાકી આપે જ કરી છે. આપના જ પક્ષના વડીલ સાથીઓ સાથે આપે જે અસિષ્ણુતા દાખવી છે તેનો જોટો જડે તેમ નથી.

પત્રના અંતમાં મોઢવાડિયાએ મોદીને સરદાર પટેલ સાથે તેમની સરખામણી કરીને સરદારનું અપમાન નહીં કરવાની ગુજરાતની પ્રજા વતી વિનંતી કરી છે. મોઢવાડિયાએ લખ્યુ છે કે સરદાર સાહેબ તો સાદાઈ અને શક્તિનું પ્રતિક હતા, જ્યારે તમે તો ઐયાશી અને વાણીવિલાસનું પ્રતિક છો.

આ સિવાય ખુલ્લા પત્રમાં મોઢવાડિયાએ મોદી પર આરોપ લગાવ્યો છે કે દેશની સરકાર સામે અલગતાવાદીઓ ન વાપરે તેવી ભાષા એક મુખ્યમંત્રી તરીકે તેઓ વાપરે છે. તેમણે કહ્યુ કે તેનાથી રાજ્યની ગરિમા ઘટે છે. તેમણે આવા ભાષાપ્રયોગો નહીં કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતની સેવા કરવાની તાકીદ કરી છે.

મોઢવાડિયાએ માંડવીયાના પટેલ સમાજ દ્વારા સૂરતના સંમેલનમાં મોદી દ્વારા કરવામાં આવેલા સંબોધન કે જેમાં મોદીએ કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર ગુજરાતની સાથે દુશ્મન દેશ જેવો વહેવાર રાખે છે, પરંતુ હું તે લોકોને થકવી દઈશ.

મોઢવાડિયાએ લખ્યુ છે કે કાશ્મીરના અલગતાવાદીઓ પણ જે ભાષા દેશની સરકાર સામે નથી વાપરતા તેવી ભાષા તેઓ આ સામાજિક સમારંભમાં વાપરી છે. તમે એકાદ અન્યાયનો પ્રસંગ વર્ણવ્યો હોત તો સારું થાત. આવો વ્યવહાર ગુજરાત સાથે થયો હોવાનું તમને લાગ્યુ તો તેના સંદર્ભે તમારા રાજકીય ગુરુ અને ભાજપના સંસદીય પક્ષના ચેરમેનશ્રી અને ગાંધીનગરના સાંસદ એલ. કે. અડવાણીજીનું ધ્યાન દોર્યું છે? સંસદમાં વિરોધપક્ષના નેતા શ્રીમતી સુષ્મા સ્વરાજનું ધ્યાન દોર્યું છે? ગુજરાતના વિધાનસભાના વિરોધ પક્ષઙના નેતા શક્તિસિંહ ગોહિલનું પણ ક્યારેય ધ્યાન દોર્યું છે?

મોઢવાડિયાએ મોદી પર સમગ્ર દેશ સામે જંગ શરૂ કર્યો હોવાનું પ્રતીત થતું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે લખ્યુ છે કે 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓ વખતે કાલ્પનિક ભય ઉભો કરીને ચૂંટણીના મૂળ મુદ્દાઓની જે રીતે ચર્ચા થવા દીધી ન હતી, તેવી રીતે તમે પોતાની સરકારના ભ્રષ્ટાચાર, મોટા ઉદ્યોગપતિઓને રાજ્યની સંપત્તિની લ્હાણી, કાયદો અને વ્યવસ્થા, ખેડૂતો, ખેડૂતો, ખેતમજૂરો, આદિવાસીઓ, યુવાનો, નોકરિયાતોની સમસ્યા પ્રત્યે ધ્યાન બીજે હટાવવા માટે રાજ્ય સરકારના કામનો હિસાબ આપવાને બદલે જાણે સમગ્ર દેશ સામે જંગ શરૂ કર્યો હયો તેવું પ્રતીત થઈ રહ્યું છે.

મોઢવાડિયાએ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને ખેડૂતોના દેવા નાબૂદીમાં 14 હજાર કરોડ, 2004થી 2009 દરમિયાન યુપીએ સરકાર દ્વારા અપાયેલા 60 હજાર કરોડ, 108ની સેવામાં અપાયેલી કેન્દ્રીય સહાયતા, કેન્દ્ર સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની બીઆરટીએસ માટે જેએનએનયુઆરએમના પ્રોજેક્ટમાં 8 હજાર કરોડની સહાયતા, સેન્ટ્રલ યૂનિવર્સિટી અને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈનની કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપના થઈ હોવાની વાત પણ લખી છે.

તેમણે મુખ્યમંત્રી મોદી પર ચાબખા મારતા લખ્યું છે કે એ કમનસીબી છે કે તમે માત્ર મોટા ઉદ્યોગપતિઓને જમીન અને નાણાંકીય સહાય આપી છે. કેન્દ્ર સરકાર મોટા ઉદ્યોગપતિઓને નાણઆંકીય સહાય ન આપે તેમાં તમને દુ:ખ લાગ્યું હોય તો તેનો મારી પાસે ઉપાય નથી.

વેબદુનિયા પર વાંચો