પી. પી.પાંડેની નીમણુંક કાયદેસરની છે

શનિવાર, 11 જૂન 2016 (17:51 IST)
રાજ્યના પોલીસવડા તરીકે પીપી પાંડેની નિમણૂંકને પડકારતી વાંધા અરજી સંદર્ભે આજે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજુ કર્યો હતો. જેમાં પીપી પાંડેની નિમણૂંક નિયમ મુજબ જ થઈ હોવાનો સરકારે દાવો કર્યો છે. સરકારે પોતાના જવાબમાં જણાવ્યુ છે કે, પીપી પાંડે સામે કેટલાક કેસના આક્ષેપ થયેલા છે. જોકે, તે તમામ કેસમાં અત્યારે કોર્ટે તેમની જામીન મંજુર કરેલી છે. તેમજ કોઈપણ કોર્ટે તેમને આરોપી જાહેર કર્યા નથી.  જેથી તેમની નિમણૂંકને ગેરકાયદે ગણી શકાય નહીં.

 જ્યારે અરજદાર દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, કોઈ કેસમાં ફસાયેલ અધિકારીને
રાજ્યના પોલીસવડા જેવા સર્વોચ્ચ પદ પર નિયુક્ત કરી શકાય નહીં. પીપી પાંડે સામે ઈશરત
જહાંં એનકાઉન્ટર કેસમાં ગંભીર આક્ષેપ થયેલા છે તેમજ તપાસ એજન્સીઓ દ્વારા  તેમની પુછપરછ પણ
કરવામાં આવેલી છે. જેના કારણે  પીપી પાંડેની રાજ્યના પોલીસવડા પદે નિમણૂંકથી
પોલીસવડાના પદની ગરીમાને ધક્કો પહોંચ્યો છે.

હાઈકોર્ટે બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આ મામલે વધુ સુનાવણી આગામી બુધવારે એટલે કે ૧૫
જુને હાથ ધરાશે.  ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસવડા પદે રહેલ પીસી ઠાકુરને કેન્દ્રમાં
પ્રમોશન આપતા રાજ્યના પોલીસવડાનું પદ ખાલી પડ્યુ હતું. જેમાં તમામ અટકળો વચ્ચે રાજ્ય
સરકારે કોઈ અધિકારીની સીધી રાજ્ય પોલીસ વડા પદે નિમણૂંક કરવાની જગ્યાએ પીપી પાંડેની
કાર્યકારી રાજ્ય પોલીસવડાનો ચાર્જ સોંપી દેવાયો હતો.

વેબદુનિયા પર વાંચો