અમરનાથમાં ગુજરાતીઓ ફસાયા

સોમવાર, 11 જુલાઈ 2016 (11:02 IST)
હિઝબુલના આતંકી બુરહાની વાનીના એનકાઉન્ટર બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાં અત્યારે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિની ગંભીરતાને જોતા શ્રીનગર અને પુલવામામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેના કારણે પવિત્ર અમરનાથની યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. શ્રીનગરથી ૧૦૭ કિલોમીટર દૂર ફસાયેલા છે.  ફસાયેલા ગુજરાતીઓમાં રાજુલાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનો પણ સમાવેશ થાય છે.

હિરાભાઈ સોલંકીએ આ અંગે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, અમે ૧૧૭ વ્યક્તિએ ગત તારીખ
૨ જુલાઈએ અમરનાથની યાત્રાએ નિકળ્યા હતા. અમરનાથથી પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રીનગરમાં એકાએક તોફાન શરુ થઈ જતા અમારી એક ટુકડી હાલ શ્રીનગરની હોટલમાં રોકાઈ છે, જ્યારે બીજા અન્ય લોકો બાલતાલમાં ફસાયા છે. શુક્રવારથી જ અહીં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

ધારાસભ્યએ જણાવ્યુ હતું કે, અમે શ્રીનગરના તોફાનો વચ્ચે સલામત સ્થળે જઈ રહ્યા હતા ત્યારે અમારી બસ પર તોફાની તત્વોએ પથ્થરમારો પણ કર્યો હતો. શ્રીનગરમાં ફસાયેલ અમારા કેટલાક લોકોને જમવાની વ્યવસ્થા પણ મળી નથી. અમરનાથની યાત્રાએ ગયેલા સંખ્યાબદ્ધ  ગુજરાતીઓ બાલતાલ અને શ્રીનગરના રસ્તા વચ્ચે ફસાયા છે.  અમારો સામાન પણ શ્રીનગરથી અઢી કિલોમીટર દૂર ગાડીમાં પડ્યો છે પરંતુ ત્યાં પહોંચવુ મુશ્કેલ છે.

પ્રાથમિકસ્તરે મળેલી માહિતી મુજબ, ગુજરાતના અલગ-અલગ ભાગમાંથી ૧૭૦૦થી વધુ મુસાફરો કાશ્મીરમાં ફસાયા છે. જેમાં વડોદરાના ૧૫૦થી વધુ ભાવનગરના ૧૧૭, સુરતના ૫૦થી વધુ યાત્રાળુઓનો સમાવેશ થાય છે.

 આ ઉપરાંત રાજ્યના અલગ-અલગ ભાગોના શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની માહિતી મળી છે.  જોકે, તમામ શ્રદ્ધાળુઓ હાલ સુરક્ષિત હોવાનો દાવો વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમજ પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ આ શ્રદ્ધાળુઓને ગુજરાત પરત મોકલાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જોકે, પ્રવાસીઓ તરફથી મળેલી માહિતી મુજબ, પ્રવાસીઓની કેટલીક બસ પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હોવાના અહેવાલ પણ મળ્યા છે.

અત્યારે તણાવના કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરાયો છે. તેમજ ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે  આ મુસાફરોને હાલ ત્યાંથી બહાર કાઢવા શક્ય નથી. વળી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ તંગદીલી ભરેલી બની છે. જેથી કરીને તમામ અમરનાથ યાત્રા સ્થગિત કરવાની ફરજ પડી છે. હાલ અલગતાવાદી હુર્રીયત કોન્ફરન્સ દ્વારા કાશ્મીર બંધનું એલાન પણ  છે.

વેબદુનિયા પર વાંચો