અડવાણીના સાથી કુલકર્ણીએ મોદીને સરમુખત્યાર કહ્યા !!

ગુરુવાર, 20 જૂન 2013 (13:06 IST)
:
P.R


ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નજીકના સાથી સુધિન્દ્ર કુલકર્ણીએ અડવાણી અને નરેન્દ્ર મોદી વચ્ચેની ખેંચતાણ ખતમ નહીં થઈ હોવાનો સ્પષ્ટ સંકેત આપતાં ગુજરાતના મુખ્યમંત્રી મોદીને “સરમુખત્યાર” કહ્યાં છે.

અડવાણીના સલાહકારોમાં સામેલ કુલકર્ણીએ પોતાના એક લેખમાં ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહને ચાલાક શિયાળ કહ્યાં છે. તેઓએ કહ્યું હતું કે રાજનાથમાં જ્યોતિષના કારણે એવો ભ્રમ પેદા થયો છે કે તેઓ વડાપ્રધાન બની શકે છે.

કુલકર્ણીએ કહ્યું હતું કે તેમને પાક્કો વિશ્વાસ છે કે 85 વર્ષના થયા હોવા છતાં અડવાણી હજુ પણ પાર્ટી અને દેશ માટે યોગદાન આપી શકે તેમ છે. અડવાણી દ્વારા મોદીના વિરોધને યોગ્ય ગણાવતા તેમણે એવો દાવો કર્યો હતો કે ભાજપે આ વરિષ્ઠ નેતાએ પોતાના રાજીનામામાં પાર્ટીની જે ટીકા કરી હતી તેના પર તેઓ આજે પણ અડગ છે.

લેખમાં જણાવાયું છે કે એક સરમુખત્યારને ગાદી સોંપવાની વાત થઈ રહી છે અને એક સંપૂર્ણ લોકતાંત્રિક અડવાણીને હાંસિયામાં ધકેલીને તેમને અપમાનિત કરવામાં આવી રહ્યાં છે. કુલકર્ણીએ કહ્યું હતું કે એક આત્મકેન્દ્રિત નેતા જેના મનમાં પાર્ટી સંગઠન અને પોતાના રાજ્યમાં લાંબા સમયથી રહેલા પાર્ટીના સહયોગીઓ પ્રત્યે કોઈ દરકાર નથી, એ નેતા અચાનક ભાજપની રાષ્ટ્રીય યોજનામાં આટલા શક્તિશાળી બની ગયા છે.

વેબદુનિયા પર વાંચો