વલસાડમાં ભીડભંજન મહાદેવના મંદિરમાંથી સાંઈબાબાની મૂર્તિને હટાવાઇ

ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (16:12 IST)
તાજેતરમાં છત્તીસગઢમાં મળેલી ધર્મસંસદમાં પાસ કરવામાં આવેલા ઠરાવને પગલે ગુજરાતના વલસાડમાં ક્લૉક ટાવર નજીક આવેલા ભીડભંજન મહાદેવના મંદિરમાંથી સાંઈબાબાની મૂર્તિને હટાવીને સલામત રીતે પૅક કરીને બેઝમેન્ટમાં મૂકી દેવામાં આવી છે. આ મંદિરના ટ્રસ્ટી શિવજી મહારાજે કહ્યું હતું કે આ મંદિર એક અખાડા દ્વારા સંચાલિત હોવાથી માત્ર હનુમાન અને રામ જેવા વૈદિક ભગવાનની જ મૂર્તિઓ આ મંદિરમાં રાખી શકાય. આ ખબર મળતાં જ કેટલાક સાંઈભક્તો મંદિરમાં દોડી ગયા હતા.

ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે વલસાડના સાંઈભક્તો સાથે વાતચીત કરીને સાંઈબાબાની મૂર્તિને હટાવીને એને સલામતીપૂર્વક મંદિરના બેઝમેન્ટમાં મૂકી દેવામાં આવી હતી. હવે સાંઈભક્તોને યોગ્ય જગ્યા મળશે એટલે મંદિર બંધાશે અને ત્યાં સ્થાપિત કરવા માટે આ મૂર્તિ સુપરત કરી દેવામાં આવશે. લગભગ ત્રણેક મહિના સુધી આ મૂર્તિ આ રીતે પૅક રહેશે.

આ ધર્મસંસદ દ્વારકાની શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ બોલાવી હતી અને એમાં જાહેર કર્યું હતું કે સનાતન ધર્મમાં માનનારા લોકોએ સાંઈભક્તિ ન કરવી જોઈએ. સ્વામી સ્વરૂપાનંદે કેટલાક તર્ક કર્યા બાદ ધર્મસંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે હિન્દુ મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિઓ હટાવવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો