મુરલી મનોહર જોશીની દુષ્કર્મ અંગેની ટિપ્પણીથી વિવાદ સર્જાયો

શનિવાર, 9 માર્ચ 2013 (13:30 IST)
P.R
દિલ્હી ગેંગરેપ પછી અનેક નેતાઓએ એવા નિવેદન આપ્યા જે જનતાને વિરોધાભાસી લાગ્યા. અહી સુધી કે આશારામ બાપુ જેવા સંતે પણ આ માટે મહિલાઓને દોષી ગણાવતા ભારે હંગામો મચ્યો હતો. દુષ્કર્મની ઘટનાઓ સંદર્ભે રાજકીય વર્તુળોમાંથી ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો આવ્યા છે. ખુદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સાંસદ પુત્ર અભિજીત મુખરજીએ કહ્યુ હતુ કે દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરનાર મહિલાઓ બાર અને ડિસ્કોમાં જનારી મહિલાઓ છે. આ મહિલાઓને હકીકતની ખબર હોતી નથી પણ છતાં મિણબતી લઈને વિરોધ કરવા નીકળી પડે છે.

હવે ફરી એકવાર એક નવો વિવાદ સર્જાયો છે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ દુષ્કર્મ અંગે ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. તેમણે દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ માટે પશ્ચિમી વિચારસરણીને જવાબદાર ગણાવી છે. તેઓએ કહ્યુ હતુ કે પશ્ચતિમી દ્રષ્ટિકોણ પ્રમાણે મહિલાઓ પુરુષોને આધીન છે જે ભારતીય દર્શનથી બિલકુલ વિપરીત છે.

ભારતીય દર્શન અને પશ્ચિમી દર્શનમાં પાયાનો ફરક એ જ છે કે તેઓ સ્ત્રીને કમજોર માને છે અને આપણે સ્ત્રીને માતા માનીએ છીએ. એવામાં જે કોઈ સ્ત્રીને કમજોર માને છે તેના માટે દુષ્કર્મ કરવુ એ કોઈ મોટી વાત નથી. પરંતુ આપણે સ્ત્રીને માતા માનીએ છીએ એટલે તેની પૂજા કરીએ છીએ. મુરલી મનોહર જોશીએ આ વિવાદાસ્પદ નિવેદન એક પુસ્તકના વિમોચન પ્રસંગે આપ્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો