જ્યોર્જિયાનાં રાષ્ટ્રપતિ મિખાઈલ સાકશવિલીએ આરોપ લગાવ્યો છે કે રૂસ પોતાની તાકાતનો ઉપયોગ કરીને યુરોપનો ભૌગોલિક નકશો બદલી નાંખવાની યોજના બનાવી રહ્યું છે.
સાકશવિલીએ ફાઈનાન્શિયલ ટાઈમ્સમાં લખેલા પોતાનાં આર્ટીકલમાં જણાવ્યું હતું કે રૂસનું હવે પછીનું પગલું જ્યોર્જિયામાં તેમને હટાવીને સત્તા પરિવર્તન કરવાનું છે. પણ રૂસ આટલે થી અટકશે નહીં. તેણે ખુબ લાંબા ગાળાની યોજના બનાવી છે.
તેમણે કહ્યું હતું કે જ્યોર્જિયાનાં રાજ્યો અબ્કાજીયા અને દક્ષિણ ઓસેતિયાને ગેરકાનૂની રીતે માન્યતા આપીને રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રૂસ પોતાની તાકાતનો ઉપયોગ કરીને કંઈ પણ કરી શકે છે. તેમજ યુરોપનો નકશો પણ બદલી શકે છે.
જ્યોર્જીયાનાં રાષ્ટ્રપતિનું કહેવું છે કે રૂસ પોતાના સામ્રાજ્યને પુનઃસ્થાપિત કરવા માટે કેટલાંય વર્ષોથી તૈયારી કરી રહ્યું છે. તે યુરોપને ઉર્જા પૂરી પાડતાં બધાં જ સ્ત્રોતો પર કબજો કરવા માંગે છે. તેમજ લોકશાહી સમર્થક પોતાનાં પાડોશી દેશોને સબક શીખવવા માંગે છે.
સાકશવિલીએ જણાવ્યું હતું કે જ્યોર્જિયામાં હસ્તક્ષેપ કરીને દક્ષિણ ઓસેતિયા અને અબ્કાજીયામાં ગેરકાનુની રીતે પાસપોર્ટ વહેચ્યા, જેથી તે એવું સાબિત કરી શકે કે પોતાનાં નાગરિકો બચાવવા જ્યોર્જિયા પર હુમલો કર્યો છે.
તેમજ રૂસે જ્યોર્જિયાનાં પ્રાંતોમાં જ્યોર્જીયન મૂળનાં લોકોનાં ગામડાઓમાં અત્યાચાર મચાવ્યો. આગ લગાડી, લૂંટ કરી, મહિલાઓ પર બળાત્કાર કર્યા અને સેંકડો લોકોને મોતને ઘાટ ઉતાર્યા. આમ,રશિયા જ્યોર્જિયન કુળનો નાશ કરવા માંગે છે.
જ્યોર્જિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમે રશિયા દ્વારા કરવામાં આવનાર દરેક પગલાંનો વિરોધ કરીશું. અને, યુરોપનાં દેશોએ પણ ચેતવણીને પામીને અત્યારથી જ જરૂરી પગલાં ભરવા જોઈએ, તેવી તેમણે માંગ કરી હતી.