પંજશીર પર તાલિબાને કબજો કર્યો નથી અને હું ક્યાય ભાગીને ગયો નથી અહી જ છુ, તમામ વાતો એક અફવા - સાલેહ

શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (09:00 IST)
20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફરેલા તાલિબાને શુક્રવારે દાવો કર્યો હતો કે તેણે પંજશીર પર પણ કબજો કર્યો છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે પંજશીર પણ તાલિબાનના કંટ્રોલ હેઠળ જતુ રહ્યુ છે,  એટલું જ નહીં, એવા સમાચાર પણ છે કે ખુદને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરનાર અમરૂલ્લાહ સાલેહ પણ પંજશીરથી ભાગી ગયા છે, જો કે, આ દરમિયાન, અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અને પંજશીરથી તાલિબાનને પડકાર આપનારા અમરૂલ્લાહ સાલેહ પોતે એક વીડિયો દ્વારા સામે આવ્યા અને કહ્યું છે કે તે દેશ છોડીને ભાગ્યા નથી. તેમણે કહ્યું છે કે તેઓ પંજશીર ઘાટીમાં જ છે અને રેસિસ્ટેંસ ફોર્સના કમાન્ડરો અને રાજનીતિક વ્યક્તિઓ સાથે છે.
 
CNN-News18 ના સમાચાર મુજબ, અમરુલ્લાહ સાલ્હે તાલિબાનના કબજાની વાતને નકારી કાઢી છે અને કહ્યુ કે પંજશીર ઘાટી પર છેલ્લા ચારથી પાંચ દિવસથી તાલિબાન અને અન્ય બળ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. પણ વિદ્રોહીઓ દ્વારા કોઈપણ ક્ષેત્ર પર કબજો કરવામાં આવ્યો નથી. તેમણે આગળ કહ્યું, 'કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા આ વાત ફેલાય રહી છે કે હું મારા દેશમાંથી ભાગી ગયો છું. આ એકદમ નિરાધાર છે. આ મારો અવાજ છે, હું તમને પંજશીર ઘાટીમાંથી, મારા બએસ પરથી કોલ કરી રહ્યો છુ.  હું મારા કમાન્ડરો અને મારા રાજકીય નેતાઓ સાથે છું.

 
તાલિબાન હુમલા વિશે વાત કરતા અમરૂલ્લાહ સાલેહે કહ્યું કે અમે પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યા છીએ. એમા કોઈ શક નથી કે આ એક મુશ્કેલ પરિસ્થિતિ છે, અમે તાલિબાન, પાકિસ્તાનીઓ અને અલ કાયદા અને અન્ય આતંકવાદી જૂથોના હુમલા હેઠળ છીએ. અમારો મેદાન પર કબજો છે, હજુ અમે મેદાન ગુમાવ્યું નથી. તેમણે આગળ કહ્યું કે છેલ્લા ચાર-પાંચ દિવસમાં તાલિબાનોએ પોતાના હુમલાને વધુ તીવ્ર બનાવ્યા છે. જો કે, તાલિબાનને હજુ સુધી કોઈ નોંધપાત્ર લાભ મળ્યો નથી. આ હુમલામાં કેટલાક તેમના લોકો અને કેટલાક અમારા લોકો પણ મૃત્યુ પામ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર