વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનું કહેવું છે કે ગાઝામાં લોકોએ રાહત સામગ્રીથી ભરેલી ટ્રકોને ઘેરી લીધી અને ભોજનની સામગ્રી લઈ લીધી.
માનવીય સહાયતા સંગઠન (ડબલ્યુએફપી)એ જણાવ્યું કે તેમણે શુક્રવારે રાત્રે અને શનિવારે સવારે ગાઝામાં લોટ ભરેલી 77 ટ્રકો મોકલી હતી.
ડબલ્યુએફપીએ કહ્યું કે "તમામ ટ્રકોને રસ્તામાં જ રોકી લેવામાં આવી અને મોટાભાગનું ભોજન એ ભૂખ્યા લોકોએ લઈ લીધું જેઓ પોતાના પરિવારજનોને ભોજન ખવડાવવા માગતા હતા."
ડબલ્યુએફપીનાં પ્રવક્તા અબીર એતેફાએ બીબીસીને જણાવ્યું કે તેમને પહેલાથી જ અંદાજો હતો કે તેમની ટ્રકો ગોડાઉન સુધી નહીં પહોંચી શકે. તેથી નક્કી કરવામાં આવ્યું હતું કે રસ્તામાં જે કોઈ ભીડ મળે તેમને સહાયતા આપવામાં આવશે.
ઇઝરાયલે 11 સપ્તાહથી ગાઝામાં નાકાબંધી કરી હતી. જેને તેણે 19મી મેના રોજ હઠાવી. છતાં સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે અત્યારસુધી જે સહાયતા પહોંચી છે તે લોકોની જરૂરતની સામે માત્ર 10 ટકા જ છે.
શનિવારે જે લોકોએ ટ્રકોને ઘેરી હતી તેમને ખબર હતી કે ટ્રકોમાં ભોજન છે.
અબીર એતેફાએ કહ્યું, "આ લોકો એવા હતા જેઓ હતાશ હતા કે વિતરણ કેન્દ્ર સુધી ટ્રકો પહોંચે તેની રાહ જોવા માગતા નહોતા."
ડબલ્યુએફપીએ ટ્રકો માટે એવો રસ્તો પસંદ કર્યો જ્યાં લૂંટનું ઓછું જોખમ હોય. લોકોને અપીલ કરવામાં આવી કે તેઓ લોટની એક જ થેલી લઈ જાય પરંતુ લોકો ભૂખ્યા હોવાથી કોઈને રોકવાનું મુશ્કેલ હતું.
ડબલ્યુએફપીએ કહ્યું કે "લગભગ 80 દિવસો સુધી નાકાબંધી બાદ ભૂખા લોકો કોઈ પણ ભોજન લઈ જતી ટ્રકોને સરળતાથી નહીં જવા દે."