કાંગો - નદીમાં પલટી સૈકડો મુસાફરો ભરેલી બોટ, પાણીમાંથી બહાર કઢાયા 51 મૃતદેહ, 69 હજુ પણ લાપતા

શનિવાર, 9 ઑક્ટોબર 2021 (17:28 IST)
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો(Democratic Republic of Congo) માં બોટ પલટી જતાં 100 થી વધુ લોકો માર્યા ગયા કે ગુમ થયા છે પ્રાંતીય અધિકારીઓના કહેવા પ્રમાણે કોંગો નદીમાં બનેલી આ દુર્ઘટનાએ ઓછામાં ઓછા 100 લોકોનો ભોગ લીધો છે. ઉત્તર પશ્ચિમી પ્રાંત મોંગાલાના ગવર્નરના પ્રવક્તા નેસ્ટર મૈગબાડોએ 51 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાની અને 69 લોકો હજુ પણ લાપતા હોવાની માહિતી આપી હતી. તે સિવાય 39 લોકો સુરક્ષિત બચી ગયા છે. 
 
આ પહેલાં કોંગોમાં 15 ફેબ્રુઆરીએ એક બોટ પલટી ખાતાં 60 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના પણ કોંગો નદીમાં જ ઘટી હતી. ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડતાં બોટ ઊંધી થઈ ગઈ હતી. દેશના કેન્દ્રીય મંત્રી સ્ટીવ મબિકાયીએ જણાવ્યું હતું કે આ બોટમાં 700 લોકો બેઠા હતા. આ ઘટના દેશના માઈ-નોમડબે રાજ્યમાં ઘટી હતી. બોટ એક દિવસ પહેલાં કિનહાસા રાજ્યમાં મબનડાકા માટે રવાના થઈ હતી. માઈ નોમડબે રાજ્યમાં લોંગગોલા ઈકોતી ગામ પાસે પહોંચતાં જ આ બોટ ડૂબી હતી.
 
કોંગોમાં આ પ્રકારની દુર્ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. દેશભરના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ હોવાથી લોકો હોડી દ્વારા મુસાફરી કરવાને પ્રાધાન્ય આપતા હોય છે. કોંગોના લોકો માટે લાંબા અંતરની મુસાફરીનો એકમાત્ર વિકલ્પ કોંગો નદી છે. કોંગોની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ હોવાથી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન નથી આપી શકતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર