બાંગ્લાદેશમાં શેખ હસીનાના સંબોધન બાદ અનામત વિરુદ્ધ ભડકી હિંસા, ઓછામાં ઓછાં 25નાં મોત

શુક્રવાર, 19 જુલાઈ 2024 (08:58 IST)
બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ ચાલી રહેલા દેશવ્યાપી આંદોલનમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં ઓછામાં ઓછાં 25 લોકોનાં મોત થયાં છે.
 
દેશના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધા બંધ કરી દેવામાં આવી છે.
 
પ્રદર્શનકારીઓની માંગણી છે કે સરકારી નોકરીઓમાં અનામત ખતમ થવું જોઇએ.
 
આ દરમિયાન બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચૅનલ બીટીવીની ઑફિસમાં ગુરૂવારે બપોરે આગ લાગતા કેટલાક લોકો ત્યાં ફસાયા છે.
 
બીટીવીના વેરિફાઇડ ફેસબુક પેજ પર એક પોસ્ટમાં આ વિશે જાણકારી આપવામાં આવી હતી.
 
આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે, “બીટીવીમાં ભયંકર આગ લાગી છે, જે ઝડપથી ફેલાઈ રહી છે. અમે ફાયર સર્વિસની તાત્કાલીક મદદની આશા રાખીએ છીએ. ઘણા લોકો અંદર ફસાયા છે.”
 
ઢાકાના રામપુરામાં બીટીવીના કેટલાક પત્રકારોએ જણાવ્યું કે ફાયર સર્વિસને ફોન કરવા છતાં ઘટના સ્થળ પર કોઈ મદદ પહોંચી નથી.
 
આ કારણે ઇમારતની અંદર લાગેલી આગ પર કાબુ મેળવી શકાઈ નથી.
 
આ આગ ઝડપથી ઇમારતના બીજા ભાગમાં પણ ફેલાઈ રહી છે. પ્રદર્શનકારીઓ આ ઇમારત પર કબજો કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
 
તે લોકોએ જણાવ્યું કે સુરક્ષા દળના કર્મચારીઓ તે સ્થળ પર હાજર છે, પરંતુ તેઓ પણ પોતાને બચાવવામાં વ્યસ્ત છે.
 
કેટલાક લોકો બહાર સુરક્ષિત સ્થળો પર પહોંચવામાં સફળ રહ્યા. જોકે, આ સમયે ઇમારતની અંદર કેટલા લોકો ફસાયા છે તે ચોક્કસપણે કહેવુ મુશ્કેલ છે.
 
બીટીવીનું પ્રસારણ ઠપ્પ થઈ ગયું છે. બીટીવીના મહાનિદેશક જહાંગીર આલમે ફોન પર આ વિશે કોઇ વાત કરવાની ના પાડી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર