તુર્કીમાં ફરી એકવાર મોટી દુર્ઘટનાના થવાના સમાચાર સામે આવ્યા છે. દેશના ઈસ્તાંબુલ શહેરમાં એક નાઈટક્લબમાં રિનોવેશન દરમિયાન આગ લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓ તરફથી એપીના અહેવાલ મુજબ, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.
કેવી રીતે થયો અકસ્માત?
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, ઈસ્તાંબુલ સ્થિત નાઈટ ક્લબ રિનોવેશન માટે બંધ કરવામાં આવી હતી. નાઈટ ક્લબ બેસિકતાસ જિલ્લામાં 16 માળની રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે માર્યા ગયેલા લોકો ક્લબના રિનોવેશનના કામ સાથે સંકળાયેલા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.