પેશાવરની મસ્જિદમાં બ્લાસ્ટ, 28નાં મોત, 150થી વધુ ઘાયલ

સોમવાર, 30 જાન્યુઆરી 2023 (17:01 IST)
પાકિસ્તાનના પેશાવર શહેરની મસ્જિદમાં નમાજ દરમિયાન વિસ્ફોટ થયો છે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
 
ખૅબર પખ્તૂનખ્વાના ગવર્નર હાજી ગુલામ અલીએ પેશાવરમાં થયેલા વિસ્ફોટની નિંદા કરી છે. તેઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અત્યારસુધી 28 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ છે."
 
તેમના કહેવા અનુસાર, હજુ પણ ઘણા લોકો ઈમારતની નીચે દબાયેલા છે.
 
હાજી ગુલામ અલીએ ઈજાગ્રસ્તો માટે તાત્કાલિક રક્તદાન કરવાની પણ અપીલ કરી છે.
 
પેશાવરની લેડી રીડિંગ હૉસ્પિટલના પ્રવક્તા ડૉ. મોહમ્મદ આસિમના જણાવ્યા અનુસાર ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે અને મોટાભાગના ઘાયલોની હાલત સ્થિર છે.
 
પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઘાયલોમાં પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઘણા ઘાયલોને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
 
ડૉ.આઝમના જણાવ્યા અનુસાર લેડી રીડિંગ હૉસ્પિટલની હાલતને જોતા ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.
 
પેશાવર વિસ્ફોટ પર પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાને કહ્યું, "પેશાવર પોલીસ લાઈન્સની મસ્જિદમાં થયેલા વિસ્ફોટની સખત શબ્દોમાં નિંદા કરું છું. પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના."
 
"આતંકવાદના ખતરાનો સામનો કરવા માટે જરૂરી છે કે આપણે આપણા ગુપ્તચર તંત્રમાં સુધારો કરીએ અને આપણી પોલીસને પર્યાપ્ત શસ્ત્રોથી સજ્જ કરીએ."
 
બચાવકર્મીઓએ બીબીસીને જણાવ્યું કે વિસ્ફોટમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે અને ઘાયલોમાં કેટલાકની હાલત ખૂબ જ ગંભીર છે.
 
ઈસ્લામાબાદના આઈજીએ પેશાવરમાં થયેલા વિસ્ફોટ બાદ હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
 
મહત્વની ઈમારતો અને મહત્વના પોઈન્ટ પર સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા છે. નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઘરની બહાર નીકળતી વખતે જરૂરી દસ્તાવેજો પોતાની સાથે રાખે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર