દિલ કો સંભાલો...યે બડી નાજુક ચીજ હોતી હૈ...

સોમવાર, 29 ડિસેમ્બર 2014 (14:22 IST)
હૃદય રોગ ભગવાને નથી આપ્યો. ભગવાને જન્મથી બધી નળી ચોખ્ખી આપી છે, પણ માણસે ખાઈ ખાઈને ભરી નાંખતા હૃદય રોગનો શિકાર બની રહ્યાં છે. બેફામ ખાવા પીવાની વૃત્તિ અને શારીરિક વ્યાયામ બંધ કરી દેવાતા આજે હૃદય રોગ મેન મેડ ડિસિસ એટલે કે માનવીએ બનાવેલો રોગ બની ગયો છે. હવે, તો નાની વય (૧૮થી૩૫)માં પણ હૃદય રોગના દર્દી દેખાવા માંડયાં છે. જે ભારત જેવા વિકાસશીલ દેશ માટે ચિંતાનો વિષય હોવાનું તબીબોનું માનવું છે.

આ અંગે માહિતી આપતા કાડિર્યોલોજિસ્ટએ જણાવ્યું હતું કે, લોકોમાં જાગૃતિ આવે એ ઉદેશ્યથી દર વર્ષે 'વર્લ્ડ હાર્ટ ડેલ્લની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ લોકોમાં જોઈએ એવી જાગૃતિ આવી શકી નથી. સમયની સાથે માનવીની બદલાયેલી જીવનશૈલી જોતા હૃદય રોગ હવે, મેન મેડ ડિસિસ એટલે કે માનવીએ બનાવેલો રોગ બની રહ્યો છે. દસ વર્ષ પહેલા ૫૦ થી૫૫ વય જૂથમાં હૃદય રોગના દર્દી દેખાતા હતા.

જે હવે, ૧૮થી ૩૦ના વય જૂથમાં દેખાવા માંડયાં છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં તેમાંય ગુજરાતમાં નાની ઉંમરના હૃદય રોગના દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેની પાછળનું સૌથી મોટું કારણ બદલાયેલી જીવનશૈલી છે.

લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરતા શારીરિક પ્રવૃત્તિ, કસરતનું પ્રમાણ ઘટી ગયું છે અને ખોરાક પરનો કમાન્ડ બદલાઈ ગયો છે. બાળકોમાં બહારની પ્રવૃત્તિ (રમત) ઓછી થઈ ગઈ છે. તેની સામે ઇન્ડોર એક્ટિવિટી (કમ્પ્યૂટર પર બેસવું, ઘરમાં ગેમ રમવી, ટીવી પર કાર્ટૂન જોવું, મોબાઈલ પર રમતા રહેવું, અભ્યાસનું ભારણ) વધી ગઈ છે, જેને લીધે બાળકો શારીરિક પ્રવૃત્તિ કરી શકતા નથી, પરિણામે તેઓ જાડાપણાનો શિકાર બને છે. આજ બાળકો જ્યારે પુખ્ત વયમાં પહોંચે છે ત્યારે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગનો શિકાર બને છે.

દસ વર્ષ પહેલા ૩૫ વર્ષથી નાના હોય એવા લોકોમાં હૃદય રોગનું પ્રમાણ ૧૦થી ૧૫ ટકા હતું, જે હવે ૪૦થી ૫૦ ટકા થઈ ગયું છે. સાઉથ ગુજરાતમાં આ પ્રમાણ ૫૦ ટકા જેટલું વધ્યું છે.

યુવા વર્ગમાં શારીરિક શ્રમનું સ્થાન માનસિક તાણે લઇ લીધું છે. આખો દિવસ કમ્પ્યૂટર સ્ક્રીન આગળ બેસી કામ કરતા યુવાઓનું જીવન બેઠાડુ બની ચૂક્યું છે ઘણાં એવા યુવાઓ પણ છે કે જેમને આખા દિવસમાં ૧૦૦ ફલાંગ પણ ચાલવાનું થતું નથી. આ બધા પરિબળોને કારણે યુવાઓ હૃદય રોગમાં સપડાવા માંડયા છે.

હૃદય રોગ માટેના પરિબળો

- ૧૮થી૩૫ વર્ષના વય જૂથમાં તમાકુ, ધુમ્રપાન, માવા-ગુટખાનું સેવન સૌથી વધુ થાય છે.
- શારીરિક શ્રમ ઓછો થઇ ગયો
- કસરતનો અભાવ આવી ગયો છે.
- લોકો ખાવા પીવા પર અંકૂશ રાખતા નથી.
- ભણનારા બાળકથી લઈ મોટા વ્યક્તિમાં પણ માનસિક તાણનું પ્રમાણ વધ્યું છે.

ઉપાયો :

- કસરતને મહત્ત્વ આપો,
- આઉટડોર, સ્પોર્ટ એક્ટિવિટીમાં ભાગ લો.
- સપ્તાહમાં ઓછામાં ઓછા પાંચ દિવસ ૪૫ મિનિટ સુધી ચાલો.
- જંકફૂડ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ ફેટવાળા ખોરાક ઓછો ખાવો)
- ફળો અને લીલા શાકભાજી વધુ ખાવા.
- ધુમ્રપાન અને આલ્કોહોલની કુટવેથી દૂર રહો.
- નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો (બ્લડ રિપોર્ટ, સુગર, કોલેસ્ટ્રોલ)

વેબદુનિયા પર વાંચો