‘રતનપુર’- જબરદસ્ત સસ્પેન્સ અને સત્યકથા રજુ કરતી ગુજરાતી ફિલ્મ

શનિવાર, 17 માર્ચ 2018 (13:19 IST)
છેલ્લા બે ત્રણ વર્ષમાં અનેક ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ. જેમાં ખાસ કરીને મોટાભાગની ફિલ્મો કોમેડી હતી અને કેટલિક રોમેન્ટિક હતી. જ્યારે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘રતનપુર’ એ બધી ફિલ્મોથી અલગ છે. આ ફિલ્મ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર રહેલા રતનપુર ગામની છે. જ્યાં બે બુટલેગરો અને એક આઈપીએસ ઓફિસર વચ્ચેની વાત છે. રતનપુર ગામમાં ચંદન નામનો ખૂંખાર બુટલેગર છે જે પોતાના એરિયામાં દારુનો ધંધો કરનારાઓને માત્ર પોતાનો જ માલ વેચવાનું દબાણ કરે છે.

આ માટે તેણે એક વીરજી નામના યુવકને પોતાનો સાગરીત બનાવ્યો હોય છે. વીરજીએ આખા વિસ્તારમાં પોતાનો રોફ ફેલાયો હોય છે. પરંતુ એકવાર ચંદન અને વિરજી વચ્ચે અણબનાવ થાય છે અને આખરે વિરજીનું ખૂન થાય છે. આ ખૂન કેસની તપાસ આખરે એક નવા આઈપીએસને સોંપાય છે. આ આઈપીએસ પાસે વીરજીનો કેસ પ્રથમ હોય છે. સમગ્ર કેસમાં આઈપીએસ પણ મીડિયાના નિશાને ચડે છે. એક પછી એક વળાંક ફિલ્મને મરોડ આપે છે. વીરજીનું ખૂન કોણે કર્યું એ સવાલમાં ચંદનનું નામ મોખરે હોય છે. જ્યારે બીજી બાજુ વીરજીની પત્ની પોતાના જેઠ અને ચંદન પર પોતાના પતિના ખૂનનો આરોપ મુકે છે. ફિલ્મની વાર્તા વળાંકો લેતી રહે છે. આખરે કોણે કર્યું છે વીરજીનું ખૂન એ સવાલ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. આ ફિલ્મ આમતો રતનપુરની એક સત્યકથા છે. જેનું દિગ્દર્શન વિપુલ શર્માએ કર્યું છે અને એમ, એસ જોલી તેના નિર્માતા છે. આખી ફિલ્મમાં નાટકના જાણિતા કલાકાર હરેશ ડાગિયાનો રોલ રોમાંચક છે. તો આઈપીએસનો રોલ કરનારા અભિનેતાએ પણ સારી એક્ટિંગ કરી છે. ફિલ્મની ફોટોગ્રાફી ખૂબજ સરસ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર