કમોસમી માવઠાને કારણે ઉભા પાકમાં નુકસાન જવાને કારણે બેહાલ થઈ ગયેલા દેશના અનેક રાજ્યોના ખેડૂતોના પાક ઉપર હવે તીડના હમલાનો ભય ઉભો થયો છે. સૂત્રોએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને હરિયાણા રાજ્યને એલર્ટ કરીને પાકિસ્તાન તથા ઈરાન તરફથી આવનારા તીડના ઝુંડ સામે સાવધ રહેવા જણાવ્યું છે.
દેશની પશ્ર્ચિમી સીમા પર થાર મરુસ્થલમાં પાંચ વર્ષ બાદ ફરી તીડના ઝુંડનો હમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના સુરક્ષા સલાહકારે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાની સરકારોને એલર્ટ કરતાં જૂન-જુલાઈ માસમાં ચોમાસું વરસાદ દરમિયાન તીડના એક કીલોમીટર લાંબા ઝુંડ દ્વારા ખેતરમાં ઉભા પાક પર હમલાની આશંકા વ્યક્ત કરી છે. તીડનો આ ખતરો પશ્ર્ચિમી વિક્ષોભને કારણે મે માસમાં પાકિસ્તાનના સિંઘ અને બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા વરસાદને કારણે ઉભો થયો છે.
તીડ ચેતવણી સંગઠનના જણાવ્યા મુજબ સિંઘ અને બલુચિસ્તાન પ્રાંતમાં તીડ દેખાઈ છે. તીડ હાલ યમન, સાઉદી અરબ, ઈરિટ્રીયા અને સુદાન ઉપરાંત લાલ સાગરની બન્ને બાજુ, દક્ષિણી-પૂર્વી ઈરાનમાં પ્રજનન કરી રહી છે. આ દેશોએ પોતાના સ્તર પર તીડ નિયંત્રણ કાર્યક્રમ શ કરી દીધો છે. ગરમીને કારણે આફ્રિકા, દક્ષિણ પશ્ર્ચિમી એશિયામાં વનસ્પતિ સુકાવા લાગી છે. બીજી બાજુ ભારતમાં પણ ચોમાસાની શઆત થવાની છે. સંગઠને જણાવ્યું હતું કે જે દેશોમાં તીડે ઈંડા મુક્યા છે તે બચ્ચા હવે વયસ્ક થઈને ભોજનની તલાશમાં પાકિસ્તાન, ઈરાન અને ભારત તરફ આવશે. ચોમાસાને કારણે તીડને થાર મરુસ્થલમાં અનુકુળ મોસમ મળશે. તે અહીં પ્રજનન સાથે ખેતર સાફ કરી નાખશે. ભારતમાં તીડનો પ્રવેશ ઈરાન અને પાકિસ્તાનના થાર મરુસ્થલ દ્વારા થવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
મરુસ્થલીય તીડ (સિસ્ટાસીરા ગ્રિગેરિયા ફોર્સ્ક) એક વારમાં 60થી 100 ઈંડા આપે છે. આ તીડનું ઝુંડ એક કિલોમીટર લાંબુ હોય છે. જ્યારે આ ઝુંડ પ્રવેશ કરે છે ત્યારે સુરજને ઢાંકી દે છે અને અંધારું છવાઈ જાય છે. તીડનું ઝુંડ એક સાથે એક જ જગ્યા ઉપર બેસે છે અને ખેતરને સાફ કરી નાખે છે. તીડ ઉપર નિયંત્રણ મેળવવાનો માત્ર એક જ ઉપાય છે કે તે જ્યારે કોઈ જગ્યાએ બેસે ત્યારે ત્યાં માલાશ્યોન-96 દવાનો છંટકાવ કરવામાં આવે.
આ પહેલા 2010,2005 અને 1997માં તીડના ઝુંડનો હમલો થયો હતો. 1993માં પાક તરફથી તીડે હમલો કર્યો હતો પરંતુ ત્યાંના અધિકારીઓએ આ પ્રકારની સુચના ભારતને આપી નહોતી જેનાથી થારને લગતાં રાજ્યોમાં ઉભો પાક સાફ થઈ ગયો હતો.