ડોનાલ્ડ ટ્રમ્પના ગયા પછી ટ્રાફિક પોલીસ જાગી, નિયમો તોડનારને ઇ-ચલણ ઇશ્યૂ

શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (13:08 IST)
રાજ્યમાં નાગરિકોની માર્ગ સલામતી-સુરક્ષા વધુ સઘન બને તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળ તમામ જિલ્લાઓમાં ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે. રાજ્યના ૪૧ શહેરોમાં તા.૧૫/૦૨/૨૦૨૦થી વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ પેટે ઇ-ચલણ ઇસ્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 
 
રાજ્યના લોકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને કાયદો-વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થઇ રહ્યો છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા નાગરિકો ટ્રાફિકના નિયમો અંગે જાગૃત બને, માર્ગ સુરક્ષા વધુ સુદ્ઢ બને તે માટે રાજ્યના તમામ જિલ્લાના ૪૧ શહેરોમાં ટ્રાફિક જંક્શન, પ્રવેશ, એક્ઝિટ પોઇન્ટ અને સ્ટ્રેટેજિક સ્થળોએ ૭૦૦૦ થી વધુ સીસીટીવી કેમેરાનું મજબૂત નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. આ નેટવર્કને સંબંધિત જિલ્લાના ‘‘નેત્રમ’’ સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ ક્રાઇબર કનેક્ટીવીટીથી જોડવામાં આવ્યું છે.   
 
રોંગ સાઇડમાં વાહન ચલાવવું, ઓવરસ્પીડથી વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઇલ પર વાતો કરવી, ટ્રીપલ સવારી જેવા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોને આ સીસીટીવી કેમેરા નેટવર્કની મદદથી દંડ પેટે તા.૧૫/૦૨/૨૦૨૦થી ઇ-ચલણ ઇસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 
 
વાહનચાલકો આ ઇ-ચલણની રકમ ઓનલાઇન પોર્ટલ http//echallanpayment.gov.in ઉપર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કીંગથી ભરી શકશે. ઉપરાંત વાહનચાલકો પોતાના જિલ્લાના નેત્રમ અને નિયત કરેલ પોલીસ સ્ટેશન ખાતે રોકડમાં પણ ઇ-ચલણની રકમ ભરી શકશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર