લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં કરશે 60 હજાર કરોડથી વધારેનું રોકાણ, આટલા લોકોને મળશે રોજગારીની અનેક તકોનું સર્જન કરશે

હેતલ કર્નલ

શનિવાર, 29 ઑક્ટોબર 2022 (16:22 IST)
રોકાણકારોનું હબ બન્યું ગુજરાત, ટાટા બાદ હવે લક્ષ્મી મિત્તલ કરશે 60 હજાર કરોડથી વધારેનું રોકાણ, નોકરીની લાઇનો લાગશે
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા) હજીરા પ્લાન્ટના વિસ્તરણ પ્રસંગે વિડિયો સંદેશ મારફતે એકત્રિત થયેલી જનમેદનીને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્ટીલ પ્લાન્ટ મારફતે માત્ર રોકાણ જ નથી થઈ રહ્યું પરંતુ અનેક નવી સંભાવનાઓના દ્વાર પણ ખુલી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "રૂપિયા 60 હજાર કરોડથી વધુનું નાણાકીય રોકાણ ગુજરાત અને દેશના યુવાનો માટે રોજગારીની ઘણી તકો ઉભી કરશે. આ વિસ્તરણ પછી, હજીરા સ્ટીલ પ્લાન્ટમાં કાચા સ્ટીલ ઉત્પાદન ક્ષમતા 9 મિલિયન ટનથી વધીને 15 મિલિયન ટન થશે.”
 
2047 સુધીમાં વિકસિત ભારત તરફ આગળ વધવાના લક્ષ્યાંકોમાં સ્ટીલ ઉદ્યોગની વધતી ભૂમિકાને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મજબૂત સ્ટીલ ક્ષેત્ર મજબૂત માળખાકીય ક્ષેત્ર તરફ દોરી જાય છે. એ જ રીતે, સ્ટીલ ક્ષેત્ર રોડ, રેલવે, એરપોર્ટ, બંદરો, બાંધકામ, ઓટોમોટિવ, કેપિટલ ગુડ્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનમાં અહમ ભૂમિકા ભજવે છે.
 
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ વિસ્તરણની સાથે ભારતમાં એક તદ્દન નવી ટેક્નોલોજી આવી રહી છે જે ઇલેક્ટ્રિક વાહન, ઓટોમોબાઈલ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોમાં ખૂબ મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “મને ખાતરી છે કે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનો આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયાના વિઝનમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સ્ટીલ સેક્ટરમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટેના અમારા પ્રયાસોને નવી તાકાત પૂરી પાડશે.”
 
ભારત તરફ સમગ્ર વિશ્વ દ્વારા રાખવામાં આવી રહેલી અપેક્ષાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ઝડપથી વિશ્વનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને સરકાર આ ક્ષેત્રના વિકાસ માટે જરૂરી નીતિગત વાતાવરણ બનાવવા માટે સક્રિયપણે વ્યસ્ત છે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “છેલ્લા 8 વર્ષોમાં દરેકના પ્રયત્નોને કારણે, ભારતીય સ્ટીલ ઉદ્યોગ વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક ઉદ્યોગ બની ગયો છે. આ ઉદ્યોગમાં વિકાસની અપાર સંભાવનાઓ છે.”
 
પ્રધાનમંત્રીએ ભારતીય સ્ટીલ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા ભરવામાં આવી રહેલા પગલાંઓની સૂચી પૂરી પાડી છે. તેમણે કહ્યું કે પીએલઆઈ યોજનાએ તેના વિકાસના નવા રસ્તાઓ બનાવ્યા છે. આઇએનએસ વિક્રાંતનું ઉદાહરણ આપતાં પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે દેશે ઉચ્ચ-ગ્રેડ સ્ટીલમાં નિપૂણતા પ્રાપ્ત કરી છે જેનો ઉપયોગ જટિલ વ્યૂહાત્મક કાર્યક્રમોમાં વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ એરક્રાફ્ટ કેરિયરમાં વપરાતા ખાસ સ્ટીલનો વિકાસ કર્યો છે. 
ભારતીય કંપનીઓએ હજારો મેટ્રિક ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું અને આઇએનએસ વિક્રાંત સંપૂર્ણપણે સ્વદેશી ક્ષમતા અને ટેક્નોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. આવી ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે, દેશે હવે કાચા સ્ટીલની ઉત્પાદન ક્ષમતા બમણી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. અમે હાલમાં 154 MT કાચા સ્ટીલનું ઉત્પાદન કરીએ છીએ. અમારું લક્ષ્ય આગામી 9-10 વર્ષમાં 300 એમટી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે.
 
જ્યારે વિકાસની પરિકલ્પના કરવામાં આવી રહી છે ત્યારે ઉપસ્થિત થતાં પડકારોનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ સ્ટીલ ઉદ્યોગ માટે કાર્બન ઉત્સર્જનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે એક તરફ ભારત કાચા સ્ટીલની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે અને બીજી તરફ તે પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. 
 
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "આજે, ભારત એવી ઉત્પાદન તકનીકો વિકસાવવા પર ભાર આપી રહ્યું છે જે માત્ર કાર્બન ઉત્સર્જનને જ નહીં પરંતુ કાર્બનનો સંગ્રહ કરે અને તેનો પુનઃ ઉપયોગ પણ કરે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ચક્રીય અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને સરકાર અને ખાનગી ક્ષેત્ર આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "મને આનંદ છે કે એએમએનએસ ઇન્ડિયા જૂથનો હજીરા પ્રોજેક્ટ પણ ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગ પર ઘણો ભાર આપી રહ્યો છે."
 
પોતાના સંબોધનને સમાપ્ત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "જ્યારે દરેક વ્યક્તિ સંપૂર્ણ શક્તિ સાથે લક્ષ્ય તરફ પ્રયાસ કરવાનું શરૂ કરે છે, ત્યારે તે લક્ષ્ય સાકાર કરવામાં મુશ્કેલી પડતી નથી." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર સ્ટીલ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ અંતે જણાવ્યું હતું કે, "મને ખાતરી છે કે આ પ્રોજેક્ટ સમગ્ર પ્રદેશ અને સ્ટીલ ક્ષેત્રના વિકાસને ઉત્તેજન પૂરું પાડશે."
 
કાર્યક્રમમાં સંબોધન કરતાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, હાલ ભૂમિપૂજનમાં તો વડાપ્રધાન હાજર રહી શક્યા નથી. પરંતુ પ્લાન્ટ તૈયાર થઈ જાય ત્યારે શરૂ કરવા પીએમ નરેન્દ્ર મોદી આવશે તેવી આશા છે. અહીં બનાવવામાં આવેલ સ્ટીલનો ઉપયોગ ગતિશક્તિ ટ્રેનમાં પણ કરવામાં આવશે. અમને અહીંની સરકાર તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. ગુજરાતે જે પ્રમાણે કોવિડ મેનેજમેન્ટ કર્યું તેના માટે ખૂબ અભિનંદન. અહીં અમે 60 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીશું. આગામી વર્ષોમાં પણ વધુ ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન છે. આનાથી 60 હજાર લોકોને રોજગારી મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર