અમદાવાદમાં ધનતેરસે ૧૫૦ કરોડના સોના-ચાંદીના વેચાણની શક્યતા
ભારતમાં સોનું ખરીદવા માટેના શ્રેષ્ઠ સમય ધનતેરસના દિવસે વેચાણની અપેક્ષા સાથે ઝવેરી બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારે પુષ્ય નક્ષત્રના દિવસે સોની બજારમાં ખરીદીની રોનક જોવા મળી હતી. ઝવેરી બજારના અગ્રણીઓના મતે આ વર્ષે દિવાળી આસપાસ જે ખરીદી જોવા મળી રહી છે તે ગયા વર્ષની સરખામણીએ ૫૦ ટકા ઓછી છે પરંતુ દિવાળી અગાઉના મંદીના માહોલને જોતાં આ ખરીદી પ્રોત્સાહક છે. રવિ પુષ્ય નક્ષત્ર નિમિત્તે માં રૂ.૧૫૦ કરોડથી વધુનાં સોના-ચાંદી અને હીરાનાં ઘરેણાંનું વેચાણ થયું હતું. ગુજરાત જ્વેલર્સ એસોસિયેશને જણાવ્યું હતું કે, રવિ પુષ્ય નક્ષત્ર નિમિત્તે થયેલું વેચાણ અગાઉનાં વર્ષોની સરખામણીએ ઓછું જરૂર હતું પરંતુ અમારી અપેક્ષા મુજબ સારું રહ્યું હતું. ધનતેરસના દિવસે પણ તે જ પ્રકારે વેચાણ થવાની ધારણા છે અને શુક્રવારે ફરી વખત શહેરમાં રૂ.૧૫૦ કરોડથી વધુના સોના-ચાંદીના વેચાણ માટે જ્વેલર્સ સજ્જ છે. જ્વેલર્સ એસોસિયેશનને જણાવ્યું હતું કે, ધનતેરસના દિવસે રવિ પુષ્ય નક્ષત્ર જેવું જ વેચાણ થવાની અપેક્ષા છે. એકંદરે વિવિધ ઉદ્યોગોમાં મંદીના માહોલ વચ્ચે પણ પ્રમાણમાં સારી માંગ જોવા મળી રહી છે. લગ્નગાળા માટે ખરીદી કરવા માંગતા લોકો ધનતેરસના દિવસે નોંધપાત્ર બુકિંગ કરાવે તેવી પણ અપેક્ષા છે. સોનામાં ઓછા વજનની જ્વેલરી અને લગડી સિક્કાની પણ માંગ જોવા મળી રહી છે, જ્યારે ચાંદીમાં લગડી સિક્કા અને વાસણો તથા પૂજાનો સામાન મહત્તમ વેચાશે. જોકે, આ દિવાળીનું કુલ વેચાણ છેલ્લાં કેટલાંક વર્ષોની સરખામણીએ 40-50 ટકા ઓછું રહેવાની સંભાવના છે. અમદાવાદમાં ગુરુવારે સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ રૂ.30,550 પ્રતિ 10 ગ્રામ હતો અને છેલ્લા થોડા સમયથી ભાવમાં સ્થિરતા આવી છે તેના કારણે પણ ખરીદીને વેગ મળશે એવું બજારનાં સૂત્રો માને છે.ધનતેરસ નિમિત્તે સોના-ચાંદીના વેચાણમાં ૨૫ ટકા જેટલી વૃદ્ધિની અપેક્ષા ઉદ્યોગ રાખે છે. બજારમાં સારો સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યો છે અને ભાવ પણ લગભગ સ્થિર છે. સારા ચોમાસા અને માંગના કારણે વેચાણમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે. ગયા વર્ષની સરખામણીએ વેચાણમાં ૨૫ ટકા વૃદ્ધિની અપેક્ષા છે.