ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકારની વધુ એક ભેટ, ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરાશે

ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2022 (09:33 IST)
કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે "કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની" કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે આગામી તારીખ ૦૨જી સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ ખાતે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવશે. 
 
કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે રાજ્યના નાળિયેર પકાવતા ખેડૂતો વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો આભાર માનતા કહ્યું હતું કે, આ બોર્ડ કાર્યરત થવાથી માંગરોળ,ચોરવાડ, માળીયા,ગીરસોમનાથ અને પોરબંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં નાળિયેરનું પાકનું ઉત્પાદન વધશે.આ ઉપરાંત બોર્ડ દ્વારા નાળિયેરીના રોપા તૈયાર કરવા નર્સરી બનાવવી,વાવેતર કરતા ખેડૂતોને સહાય આપવા સહિતની યોજનાનો લાભ ખેડૂતોને મળશે જેના પરિણામે ખેડૂતોની આવક વધશે. 
 
તેમણે ઉમેર્યું કે,દેશમાં ગુજરાતમાં સૌથી મોટો દરિયાકિનારો હોઈ ભારત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે આ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે.જેનો મુખ્ય હેતું દરિયાઈ વિસ્તારમાં વધુને વધુ નાળિયેરનું ઉત્પાદન થાય નાળિયેરના પાકનું વાવેતર થાય અને નાળિયેરના પાક માટેની વિવિધ સરકારી યોજનાનો લાભ ખેડૂતોને મળી રહે. 
 
તેમણે ઉમેર્યું કે,ગુજરાતમાં નાળિયેર પાકનો વાવેતર વિસ્તાર અંદાજે ૨૫૬૦૦ હેક્ટર જેટલો છે. જેમાંથી ૨૧૩૧ લાખ નટનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ગુણકારી એવા નાળિયેર પાકના વાવેતર કરતા ખેડૂતોને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના બાગાયત ખાતા દ્વારા સહાય પણ આપવામાં આવે છે. 
 
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે યોજાનાર આ કાર્યક્રમ અતર્ગત ગુજરાતના કૃષિમંત્રી, રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતીમાં વિશ્વ કોકોનટ ડે ઉપર સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે,નાળિયેરના પાક માટે દરિયાકાંઠા ના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારો અગત્યના છે. શાસ્ત્રોમાં પુરાણકાળથી નારિયેળના વૃક્ષોનો ઉલ્લેખ જોવા મળે છે. લોકજીવનમાં લગ્ન ગીતોથી માંડી કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેલા નાળિયેરને “શ્રીફળ” એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે.આ વૃક્ષના તમામે તમામ ભાગોનો એક યા બીજી રીતે ઉપયોગ થતો હોય તેને “કલ્પવૃક્ષ” અથવા “સ્વર્ગનું વૃક્ષ” પણ કહેવાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર