પાસપોર્ટ માટે ભરેલી ઓનલાઈન અરજીની વિગતો વિમા કંપનીઓ પાસે પહોંચે છે
ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (17:11 IST)
પાસપોર્ટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરનારા અનેકને નહિં ખબર હોય કે તેમની માહિતી વીમા કંપનીને આપવામાં આવે છે જે બાદમાં ટ્રાવેલર વીમા સહિત અનેક વીમા વેચવા માટે લોકોને પરેશાન કરે રાખે છે. આ સાથે જ પાસપોર્ટનું સ્ટેટસ અપડેટ જાણવા માટે એસએમએસનો ચાર્જ લેવામાં આવે છે આમ છતા અરજદારના મોબાઈલ પર જાહેરખબરોનો મારો ચલાવવામાં આવે છે. અરજદારની માહિતી વીમા કંપનીને આપવામા ંઆવશે અને એસએમએસ મારફતે જાહેરખબરો અપાશે તે અંગે અરજદારની મંજુરી લીધી છે તેવું બતાવવા માટે ઓનલાઈન ફોર્મ ભરતાં સમયે આ બન્ને ઓપ્શન બાય ડિફોલ્ટ સિલેકટ થયેલા હોય છે.
ઘણાખરા લોકો એજન્ટ મારફતે પાસપોર્ટ માટે અરજી કરતાં હોય છે અને એજન્ટસ આ ઓપ્શન ડિસીલેકટ કરતાં નથી અને જેઓ જાતે પણ ફોર્મ ભરે છે તમાંના પણ કેટલાંક લોકો સતર્કતાથી ફોર્મ ભરવામાં આ ઓપ્શન ડિસિલેકટ કરવાનું ભુલી જાય છે. પાસપોર્ટ મેળવવા માટે હવે ઓનલાઈન અરજી ફરજીયાત થઈ ગઈ છે જે સરકારી વેબસાઈટ પરથી જ કરી શકાય છે. પાસપોર્ટ માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજીની સેવા અને પાસપોર્ટ સેવા કેન્દ્રો ચલાવવાની કામગીરી વિદેશ મંત્રાલય દ્વારા ટાટા કન્સલટન્સીને સોંપવામાં આવી છે. પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરતાં સમયે સેલ્ફ ડિકલેરેશનમાં વધારાની સેવાઓ અને સુવિધાઓ પુરી પાડવાના નામે કેટલાંક વિકલ્પો પસંદ કરવાના હોય છે. જેમાં વીમા કંપનીને અરજદારની માહિતી આપવા અંગેની મંજુરી આપવાનો ઓપ્શન બાય ડિફોલ્ટ સિલેકટ થયેલો હોય છે.
પાસપોર્ટનું ફોર્મ ભરતી વખતે અરજદાર પાસેથી નાનામાં નાની વિગતો વિદેશ મંત્રાલય માંગે છે. આ વિગતો ગુપ્ત રાખવાની જવાબદારી પણ વિદેશ મંત્રાલયની બને છે, તેના બદલે આ માહિતી વીમા કંપનીને આપવામાં આવે છે. આ ઉપરાંત પાસપોર્ટ માટેની અરજી મળી ત્યારથી પાસપોર્ટ અરજદારને મળે ત્યાં સુધી ફાઈલ કયા સ્ટેજ પર છે તેનું અપડેટ આપવા માટે એસએમએસ સર્વિસ અપાય છે તેના માટે ૩૦ રૃપિયા ચાર્જ લેવામાં આવે છે. આ એસએમએસ સર્વિસ માટે કલીક કરવામાં આવે તો તેમાં પાસપોર્ટ અંગેની માહિતી ઉપરાંત પ્રમોશનલ કન્ટેન્ટ પણ મોકલવામાં આવશે તેવા લખાણ પર અરજદારની મંજુરી લઈ લેવામાં આવે છે. આ રીતે અરજદારની ગુપ્તતાના ભોગે ધીકતો ધંધો કરવામાં આવે છે.