બાપુ ઈઝ બેકઃ શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસ શરૂ કરાયા, અર્જુન મોઢવાડિયાએ સંભાળ્યું મિશન ‘બાપુ’

વૃષિકા ભાવસાર

શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (19:12 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક નવી રણનીતિ પર કામ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસમાં પાછા ફરવાનો ફરી પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આ મિશન પ્રદેશના નેતા અર્જુન મોઢવાડિયાએ સંભાળ્યું છે. તાજેતરમાં જ મહેસાણા ખાતે વાઘેલાએ મોઢવાડિયા સાથે અર્બુદા સેનાની ‘સાક્ષી હુંકાર રેલી’માં સામેલ થઈને કોંગ્રેસમાં આવવાના સંકેત આપી દીધા છે.

શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા ગુરુવારે મહેસાણાની સેશન્સ કોર્ટમાં જુબાની આપ્યા બાદ દૂધ સાગર ડેરી રોડ પર અર્બુદા ભવન પરિસરમાં સાક્ષી હુંકાર રેલીને સંબોધિત કરીને જનતાની અદાલતમાં પોતાની વાત રજૂ કરી હતી. કથિત દૂધસાગર ડેરી કૌભાંડ મામલે આરોપી વિપુલ ચૌધરીના સમર્થનમાં કોંગ્રેસ ઉતરી ચૂકી છે. ચૌધરીની ધરપકડ વિરુદ્ધ અર્બુદા સેનાએ ‘સાક્ષી હુંકાર રેલી’ યોજી હતી. જેમાં કોંગ્રેસના સાત ધારાસભ્ય પણ સામેલ થયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોમાં સી.જે ચાવડા, બળદેવસિંહ ઠાકોર, રઘુ દેસાઈ, નાથાભાઈ ચૌધરી, ભરત ઠાકોર, ગોવા ભાઈ રબારી અને ચંદન ઠાકોર સામેલ થયા હતા. ગુજરાત કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસ પહેલા ઘણીવખત કરી ચૂક્યા છે. પરંતુ કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ટસનું મસ નહોતું થતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતની ચૂંટણીના પ્રભારી બનાવેલા અશોક ગેહલોત વાઘેલાને કોંગ્રેસમાં પાછા લાવવા માટે તૈયાર નહોતા. આ કારણે જ વાઘેલાનું કમબેક થઈ શક્યું નહોતું. પરંતુ રાજસ્થાન મામલામાં ચાલી રહેલા રાજકીય ભૂકંપના કારણે સ્થિતિ બદલાઈ છે. આ કારણે જ વાઘેલાને કોંગ્રેસમાં કમબેક કરાવવાનો રસ્તો બનાવાઈ રહ્યો છે.વાઘેલાના કોંગ્રેસમાં આવવાથી ગુજરાતમાં અહેમદ પટેલના નિધનથી રણનીતિકારની કમી આવી હતી, તેની ભરપાઈ પૂરી થઈ શકે છે. આ ઉપરાંત કોંગ્રેસનો પ્રયાસ વિપુલ ચૌધરીને પણ પાર્ટીમાં સામેલ કરવાનો છે. ગુજરાતમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં વિપુલ ચૌધરી મંત્રી રહ્યા છે. 1996માં ભાજપ સાથે બળવો કરીને સરકાર બનાવનારા વાઘેલાના સેનાપતિ પણ રહ્યા છે. લગભગ 25 વર્ષ જૂના પોતાના મતભેદ ભૂલીને બંને નેતાઓ ફરી એકબીજા સાથે આવી ગયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર