પાટીલે અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકીટ આપવાનું કહેતા કકળાટ શરૂ થયો

શનિવાર, 8 ઑક્ટોબર 2022 (14:07 IST)
રાધનપુરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ જંગ જામ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી હારનાર અલ્પેશ ઠાકોરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું બીજી વાર સંમેલન મળવા જઈ રહ્યું છે. તો પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના વિરોધમાં તીખી પ્રતિક્રિયા આપી છે.

અલ્પેશ ઠાકોરના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરની તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારો અલ્પેશ ઠાકોર સામે પૂરતો વિરોધ છે.પરંતુ ભાજપ સામે કોઈ વિરોધ નથી. અલ્પેશ ઠાકોર ટિકિટ લઈને આવશે તો બીજી વાર હારશે.તેમણે વધુમાં કહ્યું કે, ત્રણ તાલુકાને જોડતું આ વિધાનસભાનું સંમેલન છે. જેમાં ભાજપના વિરુદ્ધની કોઈ વાત નહિ થાય. અમારે એક જ મુદ્દો છે કે સ્થાનિક ઉમેદવાર જોઈએ. અમારી માંગ સ્થાનિક ઉમેદવાર માટેની છે. કારણ કે, અલ્પેશ ઠાકોર જ્યારે આવે ત્યારે તેમની સેનાના 2000 માણસોને બોલાવે અને તેમને મળીને જતા રહે છે. તે વિસ્તારના આગેવાનોને પૂછતો નથી, તેમને ઓળખતો પણ નથી. પાંચ વર્ષોમાં કોઈ દિવસ ફોન કર્યો નથી. મરજીની જેમ વહેવાર કરે છે. હવે તેમણે રાજકારણ છોડી દીધું છે. હવે તો તેમણે કહ્યું કે, મારે રાધનપુરને પરણવુ છે. આ નિવેદન વાજબી ન ગણાય. પરણવાની વાત રાજકીય ન ગણાય, એ તો બહેન-દીકરીને પરણવાની વાત હોય તેવું લાગે. તેથી સમાજમાં તેમના પ્રત્યે રોષ છે. જેથી અમે આ સંમેલન બોલાવ્યું છે. તેમા ભાજપના વિરોધની કોઈ વાત જ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર