ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકો માટે ગુરૂવારે ફોર્મ પાછા ખેંચાયા પછી હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે ભાજપે પ્રચારના ભાગરૂપે 89 બેઠકો પર કેન્દ્રીય નેતાઓને ઉતારવા માટેની રણનીતિ બનાવી છે. રાજ્યમાં 14 કેન્દ્રીય નેતાઓ 46 જનસભાઓ ગજવશે. જ્યારે રાજ્યના 14 સ્ટારપ્રચારકો 36 મત વિસ્તારોમાં સભાઓ સંબોધશે.
કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર પ્રચાર માટે આજે ભાજપનું કાર્પેટ બોમ્બિંગ થશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા કરશે. ભાજપ શક્તિ પ્રદર્શન કરતા એકસાથે 89 દિગ્ગજ નેતાઓને ગુજરાતમાં પ્રચાર માટે બોલાવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે ભાજપે ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા જેપી નડ્ડા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાત આવશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે.મોરબી પુલ દુર્ઘટના બાદ રાજકીય માહોલ જામતો નથી. ત્યાં આજે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ પ્રચાર કરવાના છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, MPના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે સભા ગજવશે. તે ઉપરાંત અન્ય સ્થળોએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 4 સભાઓ કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી ભારતી પવાર 2 રેલી કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 2 રેલી કરશે.યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની 3 સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાની 3 સભાનું આયોજન કરવામાં આવ્યું છે.