Vijay Rupani - ભાજપે આખરે વિજય રૂપાણીને જ કેમ સીએમ બનાવ્યાં

મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (11:28 IST)
ગુજરાતમાં આજે ભાજપની સરકાર શપથવિધિ કરીને સત્તા સ્થાને બેસી રહી છે ત્યારે એક વાત પર ચોક્કસ ધ્યાન આપવું જરૂરી બને છે. વિજય રૂપાણી અને નિતિન પટેલને કેમ પુનરાવર્તિત કરવામાં આવ્યાં છે. ત્યારે એક વાત ચોક્કસ છે કે આનંદીબેનના શાસન બાદ ગુજરાતમાં અનેક આંદોલનો થયાં ત્યારે રૂપાણીની સરકારે તમામ પડકારો ઝીલીને સરકાર ચલાવી છે. નિતિન પટેલ સામે મહેસાણામાં ભારે વિરોધ હતો તે છતાંય તેઓ જીત્યાં છે. બીજી બાજુ રાજકોટની મહત્વની ગણાતી બેઠક પર માત્ર રૂપાણી જ નહીં પણ સમગ્ર જિલ્લાની બેઠકો પર ભાજપ જીત્યુ છે. ત્યારે રૂપાણી પર એક પણ પ્રકારનો ભ્રષ્ટાચારનો આરોપ નથી તેમજ તેમની પર કોઈ પણ પ્રકારના કાર્યકરોનો વિરોધ દેખાયો નથી.

ભાજપ પાસે સીએમ પદ માટે અનેક ચહેરાં હતાં પણ તે છતાંય ભાજપે વિજય રૂપાણીને પસંદ કર્યાં છે. આની પાછળનું મુખ્ય કારણ જૂથબંધી હોઈ શકે છે પણ તેની પાછળ બીજા અનેક કારણો પણ જોઈ શકાય એમ છે. ગુજરાતમાં સોળ મહિનાના શાસનમાં પાટીદાર અનામત આંદોલન, ઓબીસી આંદોલન અને દલિત આંદોલન સહિતના અનેક પડકારોના સામનો કરીને ભાજપને સતત છઠ્ઠી વાર રાજ્યમાં શાસન સ્થાપવામાં મહત્ત્વનું યોગદાન આપનારા વિજય રૂપાણીની પ્રતિભા, કારકિર્દી, કાર્યશૈલીના ગુણો આરએસએસના સંગઠન સંસ્કારોને દેન છે. રાજકોટમાં ભાજપના કોર્પોરેટરથી રાજ્યસભાના સભ્ય અને પ્રદેશ પ્રમુખથી મુખ્ય પ્રધાન સુધીની તેમની કુશળ સંગઠન શક્તિ અને સાદગી તેમ જ જમીન સાથે જોડાઇને કામ કરવાની તેમની વિશેષતા રહી છે. ૧૯૫૬માં ક્રાંતિના મહિના ઑગસ્ટની બીજી તારીખે બર્મા-રંગૂનમાં જૈન પરિવારમાં જન્મેલા વિજયભાઈ બાળપણથી જ રાજકોટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને સંઘના સંસ્કારથી રંગાયા હતા. જયપ્રકાશ નારાયણના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને અખિલ ભારતીય વિધાર્થી પરિષદના નેતા તરીકે સૌની નજરમાં આવ્યા હતા. રૂપાણીમાં બાળપણથી જ રાષ્ટ્રવાદના સંસ્કાર સિંચનની શરૂઆત થઈ હતી. જયારે એમણે રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવક તરીકે દરરોજ શાખામાં જવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થી તરીકે શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો માટે આગેવાની લેવી અને ઉકેલ ન આવે ત્યાં સુધી ઝઝૂમતું રહેવું એ એમનો સ્વભાવિક મિજાજ હોવાથી લડાયક નેતા તરીકેની ખ્યાતિ નીખરતી ગઈ હતી. ભ્રષ્ટાચારના વિરોધમાં જયપ્રકાશ નારાયણે આંદોલન શરૂ કરેલ અને તેમાં રૂપાણીએ છાત્ર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સૌરાષ્ટ્રની આગેવાની લીધી હતી. જયપ્રકાશજીના સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન સભા, સરઘસ વગેરેમાં સતત એમેની સાથે રહીને વિજયભાઈ એક કુશળ આગેવાન અને શ્રેષ્ઠ સંઘઠનકાર તરીકે અંકિત થઇ ગયા હતા. કૉલેજ કાળ દરમ્યાન અખિલ ભારતીય વિધાર્થી પરિષદના સર્વસ્વીકૃત ટીમ લીડર તરીકે ઊભરી આવ્યા હતા. ૧૯૭૫માં સ્વ. ઇન્દિરા ગાંધી દ્વારા લદાયેલ કટોકટીમાં વિજયભાઈની ધરપકડ થઈ અને ૧ વર્ષ ભુજ અને ભાવનગરની જેલમાં રહ્યા ત્યારે હજી મતાધિકારની વય પણ નહોતી એવા સૌથી નાની વયના મીસાંવાસી હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર