મોદીની સભાઓ બાદ સૌરાષ્ટ્રના પાટીદારોના મતો ભાજપ કે કૉંગ્રેસને સત્તા અપાવી શકશે

શનિવાર, 11 નવેમ્બર 2017 (12:26 IST)
સૌરાષ્ટ્રમાં ૪૮ જેટલી બેઠકોમાં મોટાભાગની બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે ત્યારે પાટીદાર મતો જે પક્ષ બાજુ ઝુકશે તે પક્ષ જ સત્તાના સિંહાસન સુધી પહોંચી શકશે. સૌરાષ્ટ્રની સાત જિલ્લા પંચાયતો અને ૮૦ ટકા તાલુકા પંચાયતો કૉંગ્રેસ પાસે હોવાથી ભાજપ માટે સૌરાષ્ટ્રની ચૂંટણી કપરા ચઢાણ સાબિત થાય તો નવાઈ નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર આ વખતની ચૂંટણીમાં પોલિટિકલ એપી સેન્ટર બની ગયું છે.

આશ્ર્ચર્યજનક પરિણામો આપવા માટે જાણીતા ગુજરાતના આ આગવી ઓળખ ધરાવતા પ્રદેશમાં આ વખતે પાટીદારોના મિજાજ ઉપર ભાજપ-કૉંગ્રેસનો મોટો દારોમદાર છે. લેઉવા અને કડવા પાટીદાર મતો અને બીજી તરફ હાર્દિક પટેલનું ફેક્ટર ભળતાં નવા સમીકરણો અને બદલાયેલા મતદાર માનસના આધારે નેતાઓ ગણતરી માંડી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં બે વર્ષ પૂર્વ મળેલા જનાધારને જોઈએ તો પંચાયત-પાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસનો જબ્બર દબદબો રહ્યો છે. માત્ર પોરબંદરને બાદ કરતા સર્વત્ર પાટીદાર અનામત આંદોલન અને ખેડૂતોના પ્રશ્ર્ને કૉંગ્રેસને ભારે લાભ થયો હતો. જોકે આ પૂર્વે ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાજકોટ, જામનગર, અમરેલી જેવા શહેરી મતોમાં કૉંગ્રેસે મોદીના જુવાળ છતાં જીત મેળવેલી. જોકે આંતરિક જૂથવાદમાં કૉંગ્રેસ ઘણી બેઠકો ઉપર ટૂંકા માર્જિનથી હારી હતી. જૂનાગઢ, જામનગર જિલ્લામાં કૉંગ્રેસે ઘણું વજન બતાવ્યું તો જસદણ, વાંકાનેર, માણાવદર જેવી બેઠકો જાળવી રાખી હતી.

આ પછી અનામત આંદોલનની અસરથી કૉંગ્રેસ બેઠી થઈ ગઈ અને ૮માંથી ૭ જિલ્લા પંચાયત ઉપરાંત ૮૦ ટકા તાલુકા પંચાયત ભાજપ પાસેથી છીનવી લીધી. હવે જ્યારે ચૂંટણી-૨૦૧૭ના નગારા વાગી ચૂક્યાં છે ત્યારે ભાજપ કૉંગ્રેસની એક-એક નબળાઈનો લાભ લઈ રહી છે. જેમાં શંકરસિંહ વાઘેલાએ કૉંગ્રેસમાંથી વિદાય લેતા સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના બે કૉંગી ધારાસભ્યો ઉપરાંત જસદણના ભોળાભાઈએ કૉંગ્રેસને બાય બાય કહી દીધું છે. પંચાયતોમાં મળેલી સત્તાને પચાવવાને બદલે કૉંગ્રેસ જૂથવાદમાંથી ઊંચી ન આવતા ભાજપ આ સ્થિતિને વધુ પેચીદી બનાવે તે સ્વાભાવિક છે. હવે, વાત કરીએ જ્ઞાતિઓની તો સૌરાષ્ટ્રની બે ડઝનથી વધુ બેઠકો ઉપર પાટીદારોના મત નિર્ણાયક છે. આ પાટીદાર મતોને રિઝવવા રાહુલથી માંડીને રૂપાણી ખોડલધામ અને ઉમિયાધામને વંદના કરે છે. તો બીજી તરફ હાર્દિક પટેલ ભાજપ ઉપર અવનવા પ્રહારો કરી હવે તો કૉંગ્રેસને પણ પડકારે છે. આ સ્થિતિમાં પાટીદારોના માનસમાં કોની છબિ કેવી રહે છે તેના ઉપર પરિણામનો મોટો આધાર રહેવાનો છે. સૌરાષ્ટ્રમાં નૉટબંધી અને જીએસટી ઉપરાંત પાકવીમો પણ મતદાનમાં સીધી અસર સર્જે તેવા મુદ્દા છે. રાહુલે બેરોજગારીનો મુદ્દો ઉછાળ્યો છે જ્યારે વડા પ્રધાને વિકાસને જ અગ્રતાક્રમ આપ્યો છે. હવે ઉમેદવારોની પસંદગી શરૂ થઈ ગઈ છે. તેમાં કયો પક્ષ કેવા ઉમેદવારોને ઊભા રાખે છે અને અન્યોના અસંતોષને કેવી રીતે ખાળી શકે છે તેના ઉપર પરિણામનો મોટો આધાર રહેશે. ગુજરાતને પ્રથમ મુખ્ય પ્રધાન આપનાર સ્વ. ડૉ. જીવરાજ મહેતાથી લઈને કેશુભાઈ પટેલ સુધીના મુખ્ય પ્રધાન આપીને સૌરાષ્ટ્ર હંમેશાં ગુજરાતની રાજનીતિમાં કેન્દ્રસ્થાને રહ્યું છે. આ વખતે પણ પૂરા રાજનીતિમાં કેન્દ્રસ્થાને રહ્યું છે. આ વખતે પણ પૂરા ગુજરાતની નજર સૌરાષ્ટ્ર ઉપર છે. રાજકોટ શહેરમાં આ વખતે મુખ્ય પ્રધાનની બેઠક ઉપર કાંટે કી ટક્કર છે. જ્યારે રાજકોટ-૬૮ની બેઠકમાં પાટીદાર ઉમેદવારોની પસંદગીનો મુદ્દો બંને પક્ષો વિચારી રહ્યા છે. જામનગર જિલ્લામાં કૉંગી ધારાસભ્યો રાઘવજી પટેલ અને હકુભા જાડેજા ભાજપમાં જોડાતા કૉંગ્રેસને થયેલા નુકસાનની સાથે ભાજપના સ્થાનિક આગેવાનોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આવું જ જસદણમાં પણ બન્યું છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ દ્વારકાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકામાંથી ફૂંકાયેલા શંખનાદ પછી કોણ જીતશે અને કોણ હારશે તેનો ૧૮મી ડિસેમ્બરે ખ્યાલ આવી જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર