પાસના કાર્યકરોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું, મામલો બીચકે નહીં તે માટે જવાનો ગોઠવવા પડ્યાં

શનિવાર, 11 નવેમ્બર 2017 (11:58 IST)
પાટીદાર આંદોલનના નેતાઓ દ્વારા પ્રચાર અર્થે નિકળેલા ભાજપના નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતના કરંજ અને પુણા વિસ્તારમાં ભાજપના ધારાસભ્યો સહિતના આગેવાનોને ડોરટુડોર પ્રચાર કરવામા પાસના નેતાઓનો ડર સતાવી રહ્યો છે. જેથી પોલીસ દ્વારા પાસના આગેવાનોની અટકાયત કરવામાં આવતાં મામલો બીચક્યો હતો. પાટીદારોએ વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો. શુક્રવારે ભાજપના નેતાઓના પ્રચાર વખતે પાસના કાર્યકરો સામે આવી જતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પોલીસ સ્ટેશને ટોળું ભેગું થતા રેપિડ એક્શન ફોર્સ મૂકવાની નોબત આવી. મોડીરાત સુધી બબાલ ચાલી. પાસના કાર્યકરો વધુ ઉશ્કેરાયા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ ન બગડે તે માટે તંત્રએ ચોક્કસ પગલા લેવા પડશે, તેવું લોકો કહી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી વરાછા વિસ્તારમાં પાસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. જેમાં શુક્રવારે સાંજે કરંજ વિસ્તારના સ્વામીનારાયણનગરમાં પાસ અને ભાજપના આગેવાનો કાર્યકરો વચ્ચે ભારે સૂત્રોચ્ચાર થયા હતા. ત્યાર બાદ મામલો મારામારી સુધી પહોંચતા પોલીસ વચ્ચે આવી હતી. પોલીસે પાસના બે કાર્યકરોની અટકાયત કરી હતી. જેના કારણે પાસના 300થી 400 કાર્યકરો વરાછા પોલીસ સ્ટેશન પર એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી અટકાયતમાં લીધેલા બન્ને યુવાનોને છોડી મૂકવાની વાત કરી હતી. ભારે રકઝકના અંતે પોલીસ બન્ને યુવાનોને છોડવા તૈયાર થઈ ગઈ હતી. જે બન્ને યુવાનોને લઈ પાસના આગેવાનો પોલીસ મથક પરથી રવાના થયા ત્યારે મામલો થાળે પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર