રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાત રાજકારણ સર્જે છે - નીતિન પટેલ
શનિવાર, 11 નવેમ્બર 2017 (11:31 IST)
ગુજરાતમાં ચૂંટણી ટાણે નેતાઓમાં આક્ષેપો સામે આક્ષેપો કરવાનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘી ગુજરાતમાં મંદિરોમાં ફરી રહ્યાં છે ત્યારે ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાહુલની મંદિરોની મુલાકાત રાજકીય છે. તેમણે શુક્રવારે પ્રેસકોન્ફરન્સ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીને તેમના નાના પંડિત જવાહરલાલ નેહરુની દંભી બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ હોવો જોઈએ. ભાજપ ઋષિમુનિઓની સંસ્કૃતિને અનુસરે છે,
રાષ્ટ્રધર્મ એ અમારો મૂળ ધર્મ છે. આ સાથે જ નીતિન પટેલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કૉંગ્રેસ ખોટી આંકડાકીય માહિતી આપીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. બીજી તરફ ‘કિસાનોનું હિત, ભાજપની જીત’ નામની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતુંકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખેડૂત પુત્ર હોવા છતાં તેમને ખેડૂતોની દયનીય સ્થિતિનો ક્યાલ નથી તે દુ:ખદ બાબત છે.