Photos - ૭-૮ ઓકટોબર દરમિયાન વડનગર મોદીના સ્વાગત માટે તૈયાર છે... જુઓ ફોટા
શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (17:20 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ અને ૮ ઓકટોબર દરમિયાન ગુજરાત રાજ્યની બે દિવસીય મુલાકાતે પધારી રહ્યા છે. બે દિવસ દરમિયાન તેઓ દ્વારકા, ચોટીલા, ગાંધીનગર, વડનગર અને ભરૂચમાં લોક કલ્યાણની અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ કરશે.
મોદી તા.૭મી ઓકટોબરને શનિવારે સવારે નવી દિલ્હીથી સીધા દ્વારકા જશે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને તેઓ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. મોદી ઓખા અને બેટદ્વારકાને જોડતા સમુદ્ર પર રૂ.૯૬૨.૪૩ કરોડના ખર્ચે નિર્મિત થનારા ચાર માર્ગીય કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રીજના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કરશે અને નાગરિકોને સંબોધન કરશે.
દ્વારકાથી બપોરે ૧૨.૩૦ કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પહોંચશે.. ચોટીલા નજીક ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરાશે. મોદીના હસ્તે તેનું ભૂમિ પૂજન કરાશે. અમદાવાદ-રાજકોટ ૨૩૧.૩૧ કિ.મી. લંબાઇના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું છ-માર્ગીકરણ કરાશે.
આ કામનું પણ ભૂમિપૂજન કરાશે. રાજકોટ-મોરબી રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાના કામનું ભૂમિપૂજન પણ કરાશે. સુરસાગર ડેરીમાં ઓટોમેટિક દૂધ પ્રોસેસીંગ અને પેકેજીંગ પ્લાન્ટનો શુભારંભ પણ મોદીના વરદ હસ્તે કરાશે. તેઓ સુરેન્દ્રનગર શહેરના ચાર ઝોનમાં દૈનિક પાણી વિતરણ યોજનાનું લોકાર્પણ કરશે.
મોદી ચોટીલાથી ગાંધીનગર પધારશે. ગાંધીનગર નજીક પાલજ ગામ પાસે ૩૯૭ એકર જમીનમાં સાબરમતીના કાંઠે આઇ.આઇ.ટી. સંકુલનું નિર્માણ કરાયું છે. આ અત્યંત આધુનિક આઇ.આઇ.ટી. સંકુલ રાષ્ટ્રને અર્પણ કરશે. ડિજિટલ ઇન્ડિયાની પહેલ સ્વરૂપે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ૬ કરોડ નાગરિકોને ડિજિટલી સાક્ષર બનાવવા બેઝિક તાલીમ અપાઇ છે.
મોદી આઇ.આઇ.ટી.ગાંધીનગરના પગથારેથી ડિજિટલ સાક્ષરતા અભિનંદન સમારોહને પણ સંબોધન કરશે. ગુજરાતની મુલાકાતના બીજા દિવસની શરૂઆત મોદી માદરે વતન-વડનગરથી કરશે. મોદી પીએમ બન્યા પછી સૌ પ્રથમ વાર પોતાની માતૃભૂમિ-વતનમાં પગ મૂકી રહ્યા છે.મોદી વડનગરમાં જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજનું લોકાર્પણ કરશે. વડનગરથી જ તેઓ હિંમતનગરની હોસ્પિટલ પણ રાષ્ટ્રને અર્પણ કરશે. મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ ચરણમાં વડનગરથી ભરૂચ જશે.
ભરૂચમાં કલ્પસર પ્રભાગની ભાડભૂત બેરેજ યોજનાનો શિલાન્યાસ કરાશે. નર્મદા નદી પર રૂ.૪,૩૩૭ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ભાડભૂત બેરેજથી આ વિસ્તાર વિશેષ લાભાન્વિત થશે મોદી જી.એન.એફ.સી.ના રૂ.૬૦૦ કરોડના વિવિધ પ્રોજેકટ્સના લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે તથા ઉધનાથી જયનગર-વિહારને જોડતી અંત્યોદય એક્સપ્રેસનું પ્રસ્થાન કરાવશે.