ગુજરાત રાજ્યના મંત્રીઓને મૂછો કઢાવવા દલિતો શેવિંગ કિટની ભેટ આપશે

શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (13:17 IST)
તાજેતરમાં મૂછો પર તાવ દેવા માટે અને ગરબા જોવા મામલે દલિત યુવાનોને માર મારવાના વિરોધમાં રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ  દ્વારા અનેક માગણીઓ રાખવામાં આવી છે.  જો તેમની માગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી 10 ઓક્ટોબરના રોજ  અમદાવાદ અને  ગાંધીનગરને જોડતા ઇંદિરા બ્રિજ પર જામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.તેમજ આ ગ્રૂપ દ્વારા કહેવામાં આવ્યું કે જો રાજ્યમાં દલિતોને મૂછ રાખવાની પરવાનગી ન હોય તો રાજ્યના મંત્રીઓને પણ તેમની મૂછ દૂર કરવી જોઈએ. આ માટે શુક્રવારે અમે મુખ્યમંત્રી વિજય રુપાણી અને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને શેવિંગ કિટ્સ ભેટમાં આપશું. દલિત મંચ દ્વારા તાજેતરના ચાર અલગ અલગ દલિત અત્યાચારના બનાવની તપાસ માટે ઇન્સ્પેક્ટર જનરલ સ્તરના અધિકારીની હેઠળ SITની રચના અને કેસની સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવા માગણી કરાઈ છે. જ્યારે ભોગ બનનાર પરીવારને નોકરી અને જમીનનો પ્લોટ ફાળવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. મંચ દ્વારા આ માગણીના સ્વીકાર માટે સરકારને 9 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો સરકાર તેમની માગણીઓ નહીં સ્વીકારે તો તેઓ ઇંદિરા બ્રિજ પર ચક્કાજામ કરશે તેમ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર