અનામત વિના પણ માણસ આગળ વધી શકે, ખરી જરૂર તો ગરીબ માણસને છે - સામ પિત્રોડા
ગુરુવાર, 9 નવેમ્બર 2017 (15:29 IST)
ભાજપને કાંટે કી ટક્કર આપવા કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં લોકોને મળીને સંવાદ કરી રહ્યાં છે, ત્યારે ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતના મોટા શહેરોમાં લોકોને મળી તેમની વાત સાંભળશે અને તેમના જણાવ્યા અનુસાર જ કોંગ્રેસ મેનિફેસ્ટો તૈયાર કરશે. અનામત વિશે તેમણે જણાવ્યું હતું કે, અનામત જરૂરિયાત મંદોને આપવી જરૂરી છે,
જ્યારે અનામત વગર પણ વ્યક્તિ આગળ વધી શકે છે. સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ફેનિફેસ્ટો તૈયાર કરવા તેમને લોકો સાથે સંવાદ કરવાની જવાબદારી સોંપી છે. તેઓ આજે વડોદરામાં લોકોને મળી તેમના પ્રશ્નો સાંભળશે. જે બાદ તેઓ અમદાવાદ, રાજકોટ, જામનગર અને સુરતમાં લોકોને પૂછશે કે તેમને કેવા પ્રકારનો મેનિફેસ્ટો જોઇએ છે? આ વખતે કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ સાથે મળીને નહીં પરંતુ લોકોની સમસ્યાઓ સાંભળી મેનિફેસ્ટો તૈયાર કરશે. લોકો સાથે થયેલી વાતનો રિપોર્ટ રાહુલ ગાંધીને સોંપવામાં આવશે, જે બાદ મેનિફેસ્ટો તૈયાર કરાશે. સામ પિત્રોડાએ અનામત મામલે પોતાનો મત રજૂ કરતાં જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદોને અનામત આપવી જરૂરી છે, પરંતુ અનામત વગર પણ વ્યક્તિ આગળ આવી શકે છે. હું અનામતના લાભ વગર આ જગ્યાએ પહોંચ્યો છું. જોકે, આ મારું માનવું છે.