કોંગ્રેસના નેતાઓ સલામત બેઠકો શોધે છે, શંકરસિહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ મત વિસ્તાર બદલશે
ગુરુવાર, 13 એપ્રિલ 2017 (12:14 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારાં વાગી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ-ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરવા માંડી છે. કોંગ્રેસે તો મૂરતિયા શોધવાનું ય શરૃ કરી દીધુ છે. જોકે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આ વખતે સલામત બેઠકો શોધી રહ્યાં છે. ખુદ વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, અર્જૂન મોઢવાડિયા , શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ બેઠકો બદલી શકે છે સૂત્રોના મતે, આ વખતની ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ બની છે જયારે ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ બની છે. આ સંજોગોમાં કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ તરફી વધુ મતદારો હોય અને વિનાવિધ્ને વિજય તેવી બેઠકોની શોધ કરી છે.
વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આ વખતે કપડવંજ મત વિસ્તારને અલવિદા કહીને દહેગામ અથવા તો માતર બેઠક પરથી ચૂંટણી જંગ લડી શકે છે. આ બંન્ને બેઠકો પર ઠાકોર મતદારોનો ભારે પ્રભુત્વ છે . આ ઉપરાંત શંકરસિંહની નજર ગાંધીનગર બેઠક પર પણ મંડાઇ હોવાનું સૂત્રો કહી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ પણ અબડાસા બેઠકને છોડીને ભાવનગર અથવા તો દક્ષિણ ગાંધીનગરની બેઠકની ટિકિટ માંગી શકે છે. આ જ પ્રમાણે, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠકને બદલે માંગરોળ બેઠક પર ચૂંટણીજંગમાં ઉતર તેમ છે. સિધ્ધાર્થ પટેલની પણ ડભોઇ બેઠક કરતાં વેજલપુર બેઠક પર નજર મંડાઇ છે. એક લાખ કરતાંયે વધુ લઘુમતી ઉમેદવારને જોતા તેમની આ બેઠક પર પસંદગી થાય તેવી ગણતરી છે. વડગામ ધારાસભ્ય મણિલાલ વાઘેલા હવે ઇડરની બેઠક પર જંપ લાવવા ઇચ્છુક છે. તેઓ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાની સામે જોરદાર ચૂંટણી જંગ ખેલવા તત્પર બન્યાં છે. આ બેઠક પર કોંગ્રેસને પણ મજબૂત ઉમેદવારની આમેય જરૃર છે. આમ, કોંગ્રેસમાં પ્રદેશના નેતાથી માડીને સિટિંગ ધારાસભ્યો સલામત બેઠકોની ગણતરીમાં છે.