2012માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નરહરિ અમિન તથા ગોરધન ઝડફિયા કપાયા
સોમવાર, 27 નવેમ્બર 2017 (12:52 IST)
વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાની ઉમેદવારોની છઠ્ઠી અને અંતિમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તે મહત્વપૂર્ણ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં અમદાવાદ, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે. અંતિમ યાદીમાં પણ નરહરિ અમીન તેમજ ગોરધન ઝડફિયાને કોઈ સ્થાન નથી મળ્યું.મહત્વનું છે કે, તબક્કામાં થનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચૂંટણી થવાની છે. પાટીદાર આંદોલનના એપિસેન્ટર ગણાતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે તે જાહેર થયા બાદ જ ભાજપ પોતાના ઉમેદવારો ઉતારશે તે નક્કી મનાતું હતું, પક્ષે તે મુજબ જ છેલ્લા દિવસે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગસ છોડીને ભાજપમાં આવેલા તેજશ્રીબેન પટેલને વિરમગામ તેમજ સાણંદના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય કરમશી પટેલના દીકરા કનુ કરમશી મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, સિદ્ધપુરથી જયનારાયણ વ્યાસને ટિકિટ અપાઈ છે. જ્યારે અમદાવાદની બાપુનગર બેઠક પરથી કે જ્યાં ગોરધન ઝડફિયાનો ચાન્સ લાગી શકે તેમ હતો ત્યાં સિટિંગ MLA જગરુપસિંહ રાજપૂતને રિપિટ કરાયા છે.આ ઉપરાંત અમદાવાદની નારણપુરા બેઠક પર કૌશિક પટેલને ટિકિટ મળી છે. આ બેઠકનું અત્યાર સુધી અમિત શાહ પ્રતિનિધિત્વ કરતા હતા. જ્યારે, દરિયાપુરમાં ગત ચૂંટણીમાં હારેલા ભરત બારોટને ફરી ટિકિટ અપાઈ છે. એલિસબ્રિજમાં રાકેશ શાહને રિપિટ કરાયા છે, અને વેજલપુરમાં કિશોર મકવાણાને રિપિટ કરાયા છે. મહત્વનું છે કે, આ ચૂંટણીમાં કિશોર મકવાણાનું પત્તું કપાય તેવા પૂરા ચાન્સ હતા, પરંતુ તેઓ ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે.આ યાદીમાં અમદાવાદમાં ત્રણ બેઠકોને બાદ કરતા તમામ 14 સિટિંગ ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે. પાટીદાર આંદોલન બાદ રજની પટેલને ટિકિટ મળશે કે કેમ તે અંગે અટકળો હતી, પરંતુ તેમને પણ બેચરાજી બેઠક પરથી રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે, વડોદરાની વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ સામે અનેક રજૂઆતો અને વિરોધ થયા હોવા છતાં તેમને ટિકિટ અપાઈ છે.પાટીદાર આંદોલનના એપિસેન્ટર સમા વિસનગરમાં પણ સિટિંગ ધારાસભ્ય ઋષિકેશ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે, આનંદીબેન પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં આ વખતે આનંદીબેનના કોઈ પરિવારજનને બદલે ભૂપેન્દ્ર પટેલને ટિકિટ મળી છે.