2002માં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આપેલું વચન હવે પૂરું થયું: શંકરસિંહ

સોમવાર, 26 જૂન 2017 (14:47 IST)
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 2002માં મેં સોનિયા ગાંધીને પ્રોમિસ આપ્યું હતું કે, હું જ્યાં સુધી કોંગ્રેસમાં છું ત્યાં સુધી પક્ષને વફાદાર રહીશ, પરંતુ હાલમાં હું તેમને મળ્યો ત્યારે મેં તેમને કહ્યું હતું કે મારું પ્રોમિસ હવે પુરી થાય છે. 2017ની ચૂંટણી તેમના માટે છેલ્લી છે.  તેમણે કહ્યું હતું કે, જેમને ઈલેક્શન કેમ લડાય અને કેમ જીતાય તેની સમજ નથી પડતી તેઓ પાર્ટીના માલિક બનીને ગમે તેમ ફેરફાર કરી રહ્યા છે.  શંકરસિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી સાથે મારી તાજેતરમાં મુલાકાત થઈ ત્યારે મેં તેમને કહ્યું હતું કે, પક્ષના જ લોકો ભેગા થઈને મને કાઢવા માગતા હોય તેમ મને લાગી રહ્યું છે, મારી ફરિયાદ સાંભળી રાહુલ ગાંધીએ પણ સહમતી વ્યક્ત કરી હતી.  તમામ ધારાસભ્યોને રિપિટ કરવાનું એલાન પણ કોઈનેય વિશ્વાસમાં લીધા વિના જ કરી દેવામાં આવ્યું હતું.

આ વખતે પાટીદાર આંદોલન તેમજ અન્ય બાબતોને કારણે કોંગ્રેસ પાસે સારું પ્રદર્શન કરવાની તક છે ત્યારે ઘણા સમયથી અનેક શહેરોમાં પક્ષ પ્રમુખ નથી નીમાયા, તાલુકાઓ ખાલી પડ્યા છે અને પક્ષે ચૂંટણી માટે કશુંય હોમવર્ક નથી કર્યું. સરકાર બનાવવા માટે પક્ષ સજાગ રહીને કામ કરે તે જરુરી છે.પક્ષમાં પોતાની અવગણના થઈ રહી હોવાની ફરિયાદ પણ બાપુએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ ગવર્નરને આવેદનપત્ર આપવાનું હતું ત્યારે મેં એક દિવસ પહેલા જ ભરતસિંહને ફોન કરીને જણાવ્યું હતું કે હું આવવાનો છું, છતાંય આવેદનપત્ર સાથે જેમના નામ અને સહી અટેચ કરવાના હતા તે લિસ્ટમાં મારું નામ જ નહોતું. બાપુએ એમ પણ કહ્યું હતું કે, વડોદરામાં બાપુ ફોર સીએમના પોસ્ટરો બીજા કોઈએ નહીં, પણ કોંગ્રેસે જ લગાવ્યા હતા. છતાંય પોતે કોંગ્રેસને વફાદાર રહ્યા હોવાનું જણાવતા બાપુએ કહ્યું હતું કે, આજે પણ પક્ષ વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલા કોઈ પણ કાર્યકર્તાને મેં ક્યારેય પક્ષની વિરુદ્ધ કંઈ કરવા નથી કહ્યું, તેથી ઉલ્ટું એવા અનેક આગેવાન છે કે જેમણે પક્ષ વિરોધી કામ કર્યા છે અને છતાંય આજે ટોચ પર બેઠા છે.

વેબદુનિયા પર વાંચો