રાહુલ સાથે મનમોહન, અમિત શાહ સાથે મોદી હવે ગુજરાતમાં પ્રચાર જામશે

મંગળવાર, 7 નવેમ્બર 2017 (12:44 IST)

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર-પ્રસારનો માહોલ જામ્યો છે. એક તરફ ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન હોવાથી મોદી અને અમિત શાહની આગેવાનીમાં ભાજપના રાષ્ટ્રિય નેતાઓ ગઢ બચાવવા આકરા પાણીએ કવાયત કરશે. તો બીજી તરફ બે દાયકાથી ગુજરાતમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસ આ વખતે સત્તા મેળવવા માટે રાહુલ ગાંધીની આગેવાનીમાં ગુજરાતમાં પ્રચાર-પ્રસાર કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓએ ચૂંટણી સુધી ગુજરાતમાં ધામા નાંખીને મતદારોને રિઝવવવાનો રોડ મેપ તૈયાર કરી લીધો છે. 7થી 12 નવેમ્બર સુધી ચાલનારા ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો અમિત શાહ 7મીએ સવારે અમદાવાદના નારણપુરાથી પ્રારંભ કરાવશે. ઉપરાંત રૂપાણી રાજકોટથી, નીતિન પટેલ મહેસાણાથી, જીતુ વાઘાણી ભાવનગરથી અને આનંદીબહેન ઘાટલોડિયામાંથી અભિયાન શરૂ કરાવશે. અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રિય અને પ્રદેશ કક્ષાના નેતાઓ ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરી ભાજપની સિદ્ધિઓ પ્રજા સુધી લઈ જશે. અભિનેત્રી નગ્મા આંગનવાડી બહેનો અને અન્ય મહિલાઓના પ્રશ્નો જાણીને તેમને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. ટેકનોક્રેટ સામ પિત્રોડા 8થી 12 નવેમ્બર, શશી થરૂર 15મીએ નવજોત સિદ્ધુ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પ્રચાર કરશે.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર