PHOTOS - બારડોલીમાં જય શ્રી ગણેશ નામની એસી પાનની દુકાનનું ઉદઘાટન ફિલ્મોના જાણીતા ખલનાયક શિવા દ્વારા સંપન્ન

બુધવાર, 1 નવેમ્બર 2017 (09:53 IST)
આજકાલ દરેક વ્યવસાય મોડર્ન થઈ રહ્યો છે તો પાનની દુકાન કેમ એમાંથી બાકાત રહે. તાજેતરમાં સુરત પાસે આવેલા બારડોલીના કપિલ નગરમાં જય શ્રી ગણેશ નામની એસી પાનની દુકાનનું ઉદઘાટન ફિલ્મ ઈન્ડસટ્રીના જાણીતા વિલન શિવાના હસ્તે કરવામાં આવ્યું હતું. પાંચ પાનની એસી દુકાન ધરાવતા બંસીધર પાંડેની આ છઠ્ઠી પાનની દુકાન છે.

પાંડે પરિવાર 65 વરસ અગાઉ ઉત્તર પ્રદેશના ભદોહીથી આવીને સુરતમાં વસ્યો હતો.પાંડે પરિવારના બાસદેવ, રાજધર, ગુલાબધર, લાલમણિ, શેષમણિ, રામધર વગેરે પેઢી દર પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. સીસીટીવી કૅમેરાથી સજ્જ પાનની દુકાનમાં વીસ રૂપિયાથી લઈ હજારો રૂપિયાની કિંમતના પાન મળે છે. ઓછામાં ઓછા પાંચ પાનનો ઓર્ડર આપનાર પાસેથી 25 રૂપિયા વધારાનો ચાર્જ લઈ હૉમ ડિલિવરી પણ કરવામાં આવે છે.બંસીધર પાંડે કહે છે કે, આ ફૅમિલી પાન શૉપ છે. લોકો અહીં આવે અને આરામથી શાંતિપૂર્વક પરિવાર સાથે પાનનો આનંદ માણી શકે છે. મોડર્ન યુગમાં તમે બદલાઓ નહીં તો સમય સાથે ડગ માંડી શકો નહીં. એટલા માટે જ અમે પાનની એસી દુકાન શરૂ કરી છે. એટલું જ નહીં, અમે ટૂંક સમયમાં અમારી વેબસાઇટ પણ શરૂ કરી રહ્યા છીએ.
                                    હમ, દેશદ્રોહી, ઘાતક જેવી લગભગ બસો ફિલ્મોમાં કામ કરી ચુકેલા બૉલિવુડના મશહૂર વિલન શિવાએ પાંડે ફૅમિલીની પાનની છઠ્ઠી એસી દુકાન જય શ્રી ગણેશનું ઉદઘાટન કર્યું. શિવાએ રક્ત નામની એક ફિલ્મનું પણ દિગ્દર્શન કર્યું હતું. પરંતુ ફિલ્મ નિષ્ફળ રહી. જોકે દિગ્દર્શક બનેલા શિવાને અભનેતા તરીકે કામ મળતું બંધ થયું. શિવાએ છેલ્લે 2006માં કરણ રાઝદાન દ્વારા દિગ્દર્શિત મહિમા ચૌધરી સ્ટારર ફિલ્મ સૌતન – ધ અધર વુમનમાં કામ કર્યું હતું. દસ વરસ સુધી શિવાએ એક પણ સિરિયલ કે ફિલ્મમાં કામ કર્યું નહોતું. અત્યારે બિગ મેજિક પર પ્રસારિત થઈ રહેલી ફૅન્ટસી સિરિયલ રૂદ્ર કે રક્ષકમાં મહાકાલની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ઉપરાંત ચટ્ટાન, ડૉન્ વરી બી હૅપ્પી જેવા સાત ફિલ્મો કરી રહ્યો છે. શિવા કહે છે કે, ફિલ્મમાં જો તમે એક યાદગાર રોલ કરો તો લોકો તમને વરસો સુધી યાદ રાખશે. આજે દસ વરસથી કોઈ કામ નથી કર્યું છતાં લોકો મને આજે પણ ઓળખે છે. મેં ફિલ્મનું દિગ્દર્શન કર્યું તો મને કામ મળતું બંધ થઈ ગયું. પરંતુ આજે એક દાયકા બાદ ફિલ્મ-ટીવી ઇન્ડસ્ટ્રીમાં ફરી અગાઉની જેમ બિઝી થઈ ગયો છું. સમય બડા બલવાન હૈ, સમય સાથે બધું બદલાય છે.
      
આ અવસર પર બંસીધર પાંડે, શિવા ઉપરાંત રામપ્રસાદ પાઠક, ઇન્દ્રકુમાર રાવલ, એડવોકેટ દિલીપ પટેલ વગેરે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર