આમ આદમી પાર્ટીના 2 હજાર જેટલા કાર્યકરો કોંગ્રેસમય થયાં
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (14:53 IST)
ગુજરાતમાં ઓછા મતોથી હારજીત થતી હોય તેવી બેઠકો પર આપના ઉમેદવાર ઊભા કરીને ભાજપને ફાયદો કરાવવાનો કારસો રચાયો હોવાનો આક્ષેપ આપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયેલાં આગેવાનોએ કર્યો છે. જેથી બે હજારથી વધુ કાર્યકરો-આગેવાનોએ સામૂહિક રીતે આપની ટોપી ફગાવીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં આપના ડો. ઋતુરાજ મહેતા, અમદાવાદ લોકસભાના પ્રમુખ વંદના પટેલે આક્ષેપ કર્યો હતો કે, જ્યારે આમઆદમી પાર્ટીમાં જોડાયા ત્યારે લોકોના કલ્યાણ માટેની જે વાતો થતી હતી તે વાત અત્યારે ભૂલી જવાઈ છે અને ભાજપની બી ટીમ બનીને લોકો સાથે વિશ્વાસઘાત કરવાનું યોગ્ય ન લાગતા લોકશાહી ઢબે લોકોના પ્રશ્નો માટે કામ કરતી કોંગ્રેસમાં જોડાવાનું પગલું ભર્યું છે. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, કોંગ્રેસ નવસર્જનના નારા સાથે રાજ્યના ગરીબ, સામાન્ય-મધ્યમ વર્ગના ન્યાય માટે આવી રહી છે. અનેક લોકો રાજકારણમાં અંગત સ્વાર્થ માટે પ્રદેશ અને રાષ્ટ્ર હિતની વાતો કરે છે પરંતુ હકીકતમાં તેઓ તેનાથી તદ્દન વિરુદ્ધમાં વર્તી રહ્યા છે. કોંગ્રેસમાં જોડાયેલાં આપના હોદ્દેદારોમાં મહિલા પાંખના પ્રમુખ, વેપાર સેલના ચેમેન, અમદાવાદના ઘાટલોડિયાના હોદ્દેદારો ઉપરાંત ખેડા, રાજકોટ, માણસા, જૂનાગઢ, વિસનગર, માતર, પાલીતાણા, ધંધુકા, ગીર-ગઢડા સહિતના આગેવાનો કાર્યકરોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા અને કોંગ્રેસના ઉમેદવારોના મત કાપવા માટે ‘આપ’ દ્વારા જે તે વિધાનસભામાં ઉમેદવારો ઊભા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને આપ સાથે છેડો ફાડનારા હોદ્દેદારોના નિવેદનથી બળ મળ્યું છે. અમદાવાદમાં પણ દરિયાપુર અને જમાલપુર જેવી લઘુમતી બેઠકોમાં આપ દ્વારા આ રીતે ઉમેદવારો ઊભા કરવાની વેતરણ કરી હતી પરંતુ તેની દાળ ગળી ન હતી અને આપની આ ચાલનો પર્દાફાશ થયો છે.