કામવાળી બાઈ ન આવતા બે નવી બાઈઓને કામ કરવા બોલાવી, 7 લાખના દાગીના લઈને ફરાર

સોમવાર, 27 જૂન 2022 (15:22 IST)
પોલીસ દ્વારા સતત નાગરિકોને ઘર કામ માટે આવતા વ્યક્તિઓથી સજા રહેવા અને તેમની માહિતી લેવા માટે જણાવવામાં આવતું હોય છે, આમ છતાં ઉતાવળમાં ભરવામાં આવેલા પગલા ક્યારેક મુશ્કેલી સર્જી દેતા હોય છે. આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો ગાંધીનગરમાં બન્યો છે. 
 
કાવ્યા સુનિલભાઈ ગેહાનીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે, 21 જૂનના રોજ તેમના ઘરે કામ કરવા આવતા બેન 3 દિવસની રજા પર હતા. જેને પગલે તેઓએ પાડોશીને જાણ કરી હતી. જેથી તેઓના ઘરે અવાર-નવાર કામ માંગતા બે બહેનો વર્ષા અને લતા કાવ્યાબેનના ઘરે આવ્યા હતા. 22 જૂનના રોજ તેઓ ઘરે કામ કરવા રાખ્યાં હતા, પોણા એક વાગ્યે તેમની દીકરી સ્કૂલેથી આવતા તેમા સાસુ નીચે ગયા હતા. આ સમયે બંને બહેનોમાંથી એક લતા નામની કામવાળી કાવ્યાબેન પાસે આવીને વાત કરવા બેઠી હતી.
 
આ સમયે વર્ષા નામની છોકરી બેડરૂમમાં પોતુ કરતી હતી. જે બાદ બંને કામ પતાવીને નીકળી ગઈ હતી, 24 જૂનના રોજ કાવ્યાબેનને એક ફંક્શનમાં જવાનું હોવાથી તેઓએ ઘરેણા કાઢવા તિજોરી ખોલી હતી. જેમાં લેધરબેગમાં પડેલા દાગીના ગૂમ હતા, જેને પગલે સમગ્ર મુદ્દે કાવ્યાબેને અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે કામ કરવા આવનાર યુવતીઓના નામ સિવાય ફરિયાદી પાસે કોઈ જ વિગતો નથી. તેથી પોલીસને પણ હવે તેમને શોધવા માટે ફાંફા મારવા પડી રહ્યા છે. 
 
કેટલુ પણ કામ કેમ ન હોય ક્યારેય કોઈ અજાણી બાઈ કે માણસને ઘરમાં કામ કરવા કે બાળકોને લાવવા લઈ જવાબદારી સોંપવી નહી. અજાણ્યા પાસે કામ કરાવો તે ઘરમાં આવે તે પહેલા તમામ વસ્તુઓ યોગ્ય સ્થાને લોકરમાં મુકી દેવી  જોઈએ અથવા તો તેમને તમારી નજર  સામે જ કામ કરાવો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર