History of Vagh Baras celebration - વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. વાઘ બારસથી ઉંબરાના પૂજનની શરૂઆત થાય છે. વાઘ બારસને વસુ બારસ, વાક બારસ, પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાક બારસના પર્વમાં સરસ્વતી માતાની આરાધના અને ગાયનું પૂજન કરવાનો મહિમા છે. એવી લોકવાયકા છે કે ગૌમાતા આસો વદ બારસના જ ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતા. એક માન્યતા એવી પણ છે કે કે વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હોવાથી આ દિવસની ઉજવણી વાઘ બારસ તરીકે કરવામાં આવે છે.
વાઘ બારસ આ શબ્દમાં જોડાયેલ વાઘ અને બારસ બન્ને શબ્દની અલગ અલગ વાત છે. વાઘબારસ એટલે વાઘ નહી પરંતુ વાક. વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યુ અને વાઘના સંદર્ભમાં આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા લાગ્યો. વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક એટલે વાણી. આખુ વર્ષ સત્ય, પ્રીય અને હિતકારી વાણી બોલવી. આપણા કારણે મોટા કે નાના, સ્વજનો, આપ્તજનો અને પરિવારજનોના મન દુભાય નહી તેનુ ધ્યાન રાખવુ. વાક એટલે વાચા અને સરસ્વતિને વાગદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.