કામરેજ અને પલસાણા તાલુકામાં કેળના ૪૧૩.૧૧ હેકટરમાં ૩૩ ટકાથી વધુના પાકને વ્યાપક નુકશાન

શનિવાર, 22 મે 2021 (23:01 IST)
‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. તેમાય બાગાયતી ખેતી કરતા ખેડુતોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જિલ્લાના કામરેજ અને પલસાણા તાલુકામાં કેળા પકવતા ખેડુતોને નુકશાન થયું છે ત્યારે બાગાયત વિભાગની ટીમો દ્વારા નુકશાનીના સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના કારણે પવનના સુંસવાટા સાથે ભારે વરસાદના કારણે બાગાયતી ખેતી કરતા ખેડુતોના આંબા, કેળ, ચીકુ જેવા બાગાયતી પાકો ઉપરાંત શાકભાજી જેવા પાકોને પણ નુકશાન થયુ છે. જેમાં કામરેજ અને પલસાણા તાલુકાની ૪૧૩.૧૧ હેકટરમાં ૩૩ ટકાથી વધુના કેળના પાકને વ્યાપક નુકશાન થયું છે.
કામરેજ તાલુકા બાગાયત અધિકારી નૈનૈસભાઈ ચૌધરી જણાવ્યું કે, તાઉ તે વાવાઝોડાના કારણે કામરેજ તાલુકાના ખેડુતોને પણ વ્યાપક નુકશાની થઈ છે. ભારે પવનના કારણે કેળના થડ પડી જવાના કારણે ધોરણપારડી, આંબોલી, વાલક, કરજણ, ચોર્યાસી, ડુંગરા, ભાદા જેવા ૧૫ ગામના કેળ પકવતા ખેડુતોને વ્યાપક નુકશાન થયું છે. તાલુકામાં ૧૫૦૦ હેકટર વિસ્તારમાં કેળનું વાવેતર થયું હતું. 
 
જે પૈકી ૧૩૨૦ હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. જે પૈકીના ૯૪૬ જેટલા વિસ્તારમાં મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવકો મળી ત્રણ ટીમો બનાવીને નુકશાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જે પૈકી ૩૧૦ ખેડુતોના ૨૭૨.૫ હેકટર વિસ્તારના કેળના પાકમાં ૩૩ ટકાથી વધુ નુકશાન થયું છે. જેઓને સરકારના નિયમોનુસાર નુકશાની વળતર ચૂકવવામાં આવશે.
 
કામરેજના આંબોલી ગામના ખેડુત હારૂન નસરૂદ્દીન મહિડા જણાવે છે કે, વાવાઝોડાના કારણે મારી એક હેકટરમાં વાવેલી મોટાભાગના કેળના છોડ પડી ગયા છે. જેનો બાગાયતી અધિકારી સહિતની ટીમ સર્વે કર્યો છે.
 
ધોરણ પારડી ગામના રિનેશભાઈ પટેલ જણાવ્યું કે, માર ૨.૫૦ હેકટરમાં વાવેલા છ હજારના કેળના છોડમાંથી ૯૦ ટકાથી વધુ કેળ ભારે પવનના કારણે પડી ગયેલ છે. બાગાયત અધિકારી અને ગ્રામ સેવકે પણ ખેતર પર આવીને સર્વેની કામગીરી પૂર્ણ કરી છે.
 
પલસાણા તાલુકાના બાગાયત અધિકારી ધિરેન્દ્રભાઈ રાઠોડ જણાવે છે કે, તાલુકામાં ૫૨૪ હેકટર વિસ્તારમાં કેળનું વાવેતર થયું છે. જે પૈકી ૧૯૫ હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. જેમાં વણેસા, એના, ધામડોદ, ગોટીયા જેવા ૧૦ ગામોમાં કેળની ખેતી કરતા ખેડુતોને નુકશાન થયું છે. હાલ ત્રણ ટીમો બનાવીને ૩૩૫ હેકટર વિસ્તારની સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. તાલુકામાં ૧૦૨ ખેડુતોની ૧૪૦.૬૧ હેકટર વિસ્તારના કેળના પાકમાં ૩૩ ટકાથી વધુ નુકશાન થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર