પલસાણામાં બે નરાધમે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોં દબાવી હત્યા કરી

મંગળવાર, 26 માર્ચ 2024 (16:43 IST)
rape in surat

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે શિવદર્શન રેસિડેન્સીમાં રહેતી 10 વર્ષીય માસૂમ બાળકી 18 માર્ચના રોજ ગુમ થઈ હતી. પાંચ દિવસ બાદ ગત શનિવારના રોજ બાળકીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે કે, બાળકીની ગુમ થયાના બીજે દિવસે હત્યા કરવામાં આવી હતી, બાળકીની હત્યા પહેલાં આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પ્રાઇવેટ પાર્ટમાં 4 અને શરીર પર ઇજાનાં 10 જેટલાં નિશાન મળી આવ્યાં છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે આવેલ શિવદર્શન સોસાયટીમાં રહેતી 10 વર્ષીય માસૂમ ગત 18 માર્ચના રોજ ગુમ થઈ ગયા બાદ 23 માર્ચના રોજ શનિવારે તેનો મૃતદેહ તેના ઘરથી 300 મીટર દૂરથી મળી આવ્યો હતો. રવિવારના રોજ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકીની ગુમ થયાના બીજા દિવસે હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, આ બાળકીનું પેનલ ડોક્ટરો દ્વારા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જે અંદાજે અઢી કલાક જેટલો સમય ચાલ્યું હતું. જેમાં બાળકીના શરીર પર 8થી 10 જેટલા ઉઝરડા અને ચકામાં જેવી ઇજાનાં નિશાન મળી આવ્યાં છે.

પોલીસે આ ગંભીર ઘટનાની તપાસ પ્રોબેશન IPS પ્રતિભાને સોંપી છે. તેમની આગેવાનીમાં કડોદરા જીઆઈડીસી સુરત જિલ્લા એસઓજી અને એલસીબીની કુલ 20 ટીમો કાર્યરત કરાઈ હતી. આ ટીમ દ્વારા બાળકી જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારમાં ફરીને શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ગુનો ઉકલેવાની નજીકમાં હોવાનું જાણવા મળ્યું છે. 20થી 21 વર્ષના શકમંદ યુવકને પોલીસે સકંજામાં લીધો છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. યુવાનના શરીર પર ઈજાના નિશાન તેમજ બાળકીએ કરેલા પ્રતિઘાતનાં નિશાન મળી આવ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર